દિલ્હી-NCRમાં ૨.૧ની તીવ્રતાના ભૂકંપના હળવા આંચકા અનુભવાયા

દિલ્હી-એનસીઆરમાં રવિવારે બપોરે ભૂકંપના હળવા આંચકા લોકોએ અનુભવ્યા હતા. બપોરના ૧૨.૦૨ કલાકે ધરા ધ્રૂજી હતી અને રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૨.૧ હોવાનું જણાયું હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા જણાવાયું હતું કે અગાઉ પણ દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ૧લી જૂનના દિલ્હીમાં રાત્રે ભૂકંપના આંચકા આવ્યા હતા. અગાઉ આવેલા ભૂકંપની તીવ્રતા ૨.૩ મેગ્નિટ્યુટડ રહી હતી.

રવિવારે બપોરે ફરી એક વખત દિલ્હીની ધરા ધ્રૂજતા સ્થાનિકોમાં ફફટાડ ફેલાયો હતો. કેટલાક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. બહુમાળી ઈમારતમાં રહેતા લોકોએ ઝટકા અનુભવ્યા હતા. જો કે તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. ભૂકંપનું કેન્દ્રબિન્દુ પંજાબી બાગ હતું.   

અગાઉ દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧ના ધરતીકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા ૬.૩ રહી હતી. તે વખતે કેન્દ્રબિન્દુ તાજકિસ્તાનમાં જમીનથી ૯૦ કિ.મી. નીચે હતું. તે વખતે પણ કોઈ જાનહાની થઈ નહતી. ચાલુ વર્ષે દિલ્હીમાં ત્રીજી વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે.