સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં લાગી આગ, ૧૨ કર્મચારીઓને બચાવી લેવાયા

Spread the love

સુરતમાં અશ્વિનીકુમાર ફૂલપાડા રોડ ઉપર આવેલી નિર્માણ ઇન્ડસ્ટ્રીના એક એમ્બ્રોઇડરીના ખાતામાં આગ લાગતાં ફાયરબ્રિગેડના જવાનોએ રેસ્ક્યૂ કરી ૧૨ જેટલા કારીગરોને લેડર (સીડી)ની મદદથી નીચે ઉતાર્યા હતા. મધરાત્રે બનેલી આ ઘટનામાં કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના અધિકારીઓની ટીમની પ્રશંસનીય કામગીરીને લઈ લોકોએ શુભેચ્છાઓથી વધાવી લીધા હતા. ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલી આગ બીજા અને ત્રીજા માળ સુધી પ્રસરે એ પહેલાં તમામનો આબાદ બચાવ થયો હતો.

ફાયર વિભાગે જણાવ્યું હતું જે કોલ લગભગ રાત્રે ૧૨ વાગ્યાનો હતો. અશ્વિનીકુમાર ફૂલપાડા રોડ ઉપર આવેલી નિર્માણ ઇન્ડસ્ટ્રીના એક એમ્બ્રોઇડરીના ખાતાના ગ્રાઉન્ડ ફ્લોરમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગતાં ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ બાદ કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના અધિકારીઓ ટીમ સાથે દોડી ગયા હતા. આગ પર કાબૂ મેળવી ૧૨ કારીગરોને બહાર કાઢવા રેસ્ક્યૂ કર્યું હતું.

હિતેશ ઠાકોર (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે આગ શોર્ટસર્કિટને કારણે સાડી પોલીસના મશીનમાં લાગી હતી. વોચમેન અને એની પત્ની ઘટના બાદ બહાર દોડી ગયા હતા. જ્યારે બીજા અને ત્રીજા માળે રહેતા ઓડિશાવાસી કારીગરો આગ બાદ ધુમાડામાં ગૂંગળાય એ પહેલાં જ લેડર (સીડી)ની મદદથી તમામને સલામતીના ભાગ રૂપે નીચે ઉતારવામાં સફળ રહ્યા હતા. લગભગ એક કલાક ચાલેલા રેસ્ક્યૂમાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. જોકે સાડીના રોલ સળગી ગયા હતા.

એમ્બ્રોઇડરીના ખાતામાં આગ શોટસર્કિટથી લાગી હતી. બીજા અને ત્રીજા માળેથી ૧૨ લોકોને રેસ્ક્યૂ કરી લેવાતાં કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *