લસુન્દ્રા ગામે જેડીએમ રિસર્ચ સેન્ટરમાં આગ લાગતા દોડધામ મચી

સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે આવેલા જે.ડી.એમ. સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરની લેબોરીટરીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવને પગલે સાવલી નગરપાલિકા અને જીઆઇડીસીના મળીને ૨ ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. આગ સાતથી આઠ કલાક બાદ કાબૂમાં આવી હતી.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે નિર્માણ પામેલી અને રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે કાયાર્ન્વિત કરવામાં આવેલી એશિયાની ગણનાપાત્ર જે.ડી.એમ રિસર્ચ સેન્ટરની લેબોરેટરીમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. આગના બનાવને પગલે હાજર કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાને પગલે નગરપાલિકા અને જીઆઇડીસીના બે ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે આગ ખૂબ જ અંદરના ભાગે લાગેલી હોવાના કારણે કંપની મેનેજમેન્ટ દ્વારા સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે ૨૫ નવેમ્બર-૨૦૧૯ના રોજ જેડીએમ સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદઘાટન કર્યું હતું. તેમણે એશિયાની ગણનાપાત્ર લેબોરેટરી ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે સાવલી તાલુકામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. મંગળવારે મંજુસર જીઆઇડીસીમાં આવેલી એડવાન્સ રેઝિન પ્રા.લિ. કંપનીમાં આગ લાગી હતી. જ્યારે બુધવારે વહેલી સવારે લસુન્દ્રા ગામે આવેલી જે.ડી.એમ.સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરમાં આગ લાગી હતી.