રાજકોટમાં બ્રિજ પાસે ફટાકડા ફોડતા સળગ્યું ટુ-વ્હીલર,ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ
રાજકોટ શહેરમાં લક્ષ્મીનગર બ્રિજ પાસે પાર્ક કરેલ એક્ટિવા નજીક યુવકોએ ફટાકડા ફોડતા અચાનક એક્ટિવા સળગ્યું હતું. પરંતુ કોઈ દુર્ઘટના ઘટે એ પૂર્વે જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
જો કે આગને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. રાજકોટમાં ૬ દિવસ પૂર્વે પણ એક જ દિવસમાં આગ લાગવાની ચાર ઘટના સામે આવી હતી જેમાં એક સીટી બસ, એક મોટરકાર, એક ગેસ સિલિન્ડર ભરેલ છોટાહાથી અને એક પેપર મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જો કે સદનસીબે આગ લાગવાની ચાર ઘટના પગલે એક પણ જગ્યાએ કોઈ જાનહાની થઈ ન હતી.
દિવાળીના દિવસોમાં મનપા દ્વારા ત્રણ દિવસ માટે પાંચ વિસ્તારમાં હંગામી ફાયર સ્ટેશન ઉભા કરાશે. પરાબજાર સહિતના વિસ્તારમાં આ ટીમ સ્ટેન્ડ બાય રહે છે. તો દુકાનદારોએ જગ્યા પર પાણીની ડોલ, રેતી સહિતની વ્યવસ્થા કરવાની રહેશે. જોકે જે વેપારીઓ અરજી કરે છે તેઓ માટે આ નિયમનો અમલ ફરજીયાત છે. પરંતુ જેઓ મંજુરી લેતા નથી કે તંત્રને જાણ કરતા નથી ત્યાં પણ વેપારીઓ અને ગ્રાહકો જાતે સલામતી રાખે તે અનિવાર્ય છે.