આરોગ્યવર્ધક મશરૂમની ખેતીમાં ઉછાળો આવ્યો, જમ્મુ કાશ્મીરમાં લોકો કરી રહ્યાં છે પાર્ટ ટાઈમ ખેતી
જમ્મુઃ જમ્મુ કાશ્મીરમાં મશરૂમની ખેતીમાં ઉછાળો આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ ખેતી તરફ વળી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે મશરૂમની ખેતી પાર્ટ ટાઈમ કામ છે, જેમાં મહિલાઓ, યુવાનો અને નિવૃત લોકો જોડાઈને સારી એવી કમાણી કરે છે. જમ્મુ કાશ્મીરનું વહીવટી તંત્ર આ માટે લોકોને મદદ કરે છે.
પ્લાસ્ટિકની બેગમાં ઉગી નીકળેલી સફેદ રંગની જે ગોળાકાર વસ્તુને તમે જોઈ રહ્યા છો, તે મશરૂમ છે. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં અત્યારે ઘરે ઘરે આ પ્રકારના દ્રશ્યો જાવા મળે છે. સવારે અને સાંજે લોકો પોતાના ઘરે છત કે શેડની નીચે ઉગાડેલા મશરૂમને ચૂંટે છે અને સાફ કર્યા બાદ પેકિંગ કરીને વેચી દે છે. તુરંત રૂપિયા મળી જતાં હોવાથી મશરૂમ રોકડિયો પાક છે. નેશનલ એગ્રિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ બાગાયતી વિભાગ મશરૂમની ખેતીને પ્રોત્સાહન આપવા તાલીમ પૂરી પાડે છે. મશરૂમની ખેતી ઓછા રોકાણમાં વધુ વળતર આપે છે, સૌથી મોટી વાત એ છે કે આ ખેતીને પાર્ટ ટાઈમમાં પણ કરી શકાતી હોવાથી યુવાનો અને મહિલાઓમાં મશરૂમની ખેતીનું પ્રમાણ વધ્યું છે.
મશરૂમને બીજમાંથી તૈયાર થતા સુધી મહત્તમ ૨૦ ડિગ્રી તાપમાનની જરૂર પડે છે, જેને જોતાં જમ્મુ કાશ્મીરનું હવામાન તેને માફક આવે છે. જે લોકો પાસે ૧૦૦થી ૫૦૦ ચોરસમીટર જગ્યા હોય, તેઓ શેડ લગાવીને મશરૂમ ઉગાડી શકે છે. બાગાયતી વિભાગ મોટા શેડ માટે યુવાનોને સબ્સિડી અને લોન પણ આપે છે.
ખેડૂતો ૨૦૦થી ૨૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મશરૂમ વેચે છે. ફક્ત ઉધમપુરમાં જ ખેડૂતોએ આ વર્ષે ત્રણ લાખ કિલોગ્રામ મશરૂમનો ઉતારો મેળવ્યો છે, જેમાંથી તેમણે ૬ કરોડ રૂપિયાની આવક રળી છે. મશરૂમ આરોગ્યવર્ધક ખાદ્યચીજ હોવા ઉપરાંત તેની જુદી જુદી જાતોનો ઉપયોગ કેન્સરની સારવાર અને ઈમ્યુનિટી વધારતી દવાઓમાં પણ કરાય છે. જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારમાં જ્યાં મોટા ભાગનાં લોકો પાસે જમીન ઓછી છે, ત્યાં મશરૂમ જેવો પાક તેમના માટે આશીર્વાદ બની રહ્યો છે. આગામી સમયમાં તેના ઉત્પાદનમાં ક્રાંતિ આવે તો નવાઈ નહીં.