રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે: મંત્રી બલવંતસિંહ રાજપૂત

  • રાજ્યની તમામ સરકારી જમીનનું સુચારુપણે વ્યવસ્થાપન થાય તે માટે મહેસૂલ વિભાગ કટિબધ્ધ
  • મહેસૂલ વિભાગે નાગરિકોને તમામ મહેસૂલી સેવાઓ ઝડપી અને પારદર્શક રીતે મળે તેની વિશેષ કાળજી રાખી, જેને પરિણામે મહેસૂલ વિભાગને શ્રેષ્ઠ કામગીરી બદલ અનેક “એવોર્ડ અને સન્માન” પ્રાપ્ત થયા છે
  • રાજ્યના તમામ જનસેવા કેન્દ્રો ૫રથી નાગરિકો દ્વારા કરવામાં આવેલી આશરે ૬.૧૦ કરોડથી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો
  • મહેસૂલ વિભાગમાં આ વર્ષે રૂા.૫૧૯૪ કરોડની જોગવાઇ કરવા બદલ મુખ્યમંત્રી અને નાણામંત્રીનો સમગ્ર રાજ્યના નાગરિકો વતી આભાર વ્યકત કરતા મંત્રી
  • મહેસૂલ વિભાગની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

રાજ્યના મહેસૂલ વિભાગ માટે આ વર્ષે બજેટમાં રૂા.૫૧૯૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ નાણાંકીય જોગવાઇ બદલ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નાણામંત્રી કનુભાઇ દેસાઇનો સમગ્ર રાજ્યના નાગરિકો વતી આભાર વ્યકત કરતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યુ કે, મહેસૂલ વિભાગ નાગરિકોના હિતો જાળવવામાં સફળ રહ્યો છે. રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. મિલકત સંબંધી લેવડ-દેવડના દસ્તાવેજ નોંધણીની કામગીરી પણ કમ્પ્યૂટરાઈઝ્ડ કરવામાં આવી છે તેમજ પારદર્શિતા જાળવવાના હેતુથી તમામ રેકોર્ડ અદ્યતન અને ડિજિટાઈઝ્ડ કરી પોર્ટલ પર મૂકવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.

મહેસૂલ વિભાગે નાગરિકોને તમામ મહેસૂલી સેવાઓ ઝડપી અને પારદર્શક રીતે મળે તેની વિશેષ કાળજી રાખી છે. વડાપ્રધાન નરે‌ન્દ્રભાઇના “ડિજિટલ ઇન્ડિયા”ના વિઝન મુજબ રાજ્યમાં મહેસૂલી સેવાઓને ઓનલાઈન, અદ્યતન તથા પારદર્શક બનાવવામાં આવી રહી છે. જેને પરિણામે મહેસૂલ વિભાગને શ્રેષ્ઠ કામગીરી બદલ અનેક “એવોર્ડ અને સન્માન” મળ્યાં છે. તેની વિસ્તૃત માહિતી આપતા મંત્રીએ કહ્યુ કે, મહેસૂલ વિભાગને દેશના રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાત રાજ્યના અરવલ્લી, ડાંગ, જામનગર, મહેસાણા, નર્મદા અને સાબરકાંઠા જિલ્લાઓને કેન્દ્ર સરકારના નિર્ધારિત માપદંડો મુજબ સફળતાપૂર્વક મહેસૂલી સેવાઓ અંગે કામગીરી કરવા એવોર્ડની તમામ ૬ કેટેગરીમાં સૌથી ઉચ્ચ એવોર્ડ ભૂમિ સન્માન એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેવી જ રીતે આઇ ઓરા પોર્ટલ પર શ્રેષ્ઠ કામગીરી બદલ કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડીયા દ્વારા એવોર્ડ પ્રાપ્ત થયો છે. એટલુ જ નહિ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આ૫ત્તિ જોખમ વ્યવસ્થા૫ન ક્ષેત્રમાં ઉત્તમ સેવા બદલ વર્ષ ૨૦૨૨ માટે સંસ્થાગત કેટેગરી હેઠળ રાષ્ટ્રીય કક્ષાનો પ્રતિષ્ઠિત “સુભાષચંદ્ર બોઝ આ૫દા પ્રબંધન પુરસ્કાર” એનાયત કરવામાં આવ્યો હતો.

રાજ્યની તમામ સરકારી જમીનનું સુચારુપણે વ્યવસ્થાપન થાય તે માટે મહેસૂલ વિભાગ કટિબધ્ધ છે. સમગ્ર રાજ્યમાં માળખાકીય સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો કરવા માટે જ્યારે-જ્યારે જમીનની જરૂરિયાત હોય ત્યારે, રાજ્ય સરકાર માંગણી મુજબ વખતોવખત સરકારી જમીનની ફાળવણી નિયમોનુસાર કરે છે. ધોરડો ખાતે હવાઇપટ્ટી, વાંસી ખાતે પી.એમ.મિત્ર પાર્ક, કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન માટે તથા ખોલવડામાં આઇ.આઇ.આઇ.ટી. તથા દેવભૂમિ દ્વારકામાં એરપોર્ટ અને હેલિપોર્ટ માટે જમીનો ફાળવી છે. રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્ર, વીજ સબસ્ટેશન, સહકારી મંડળી/દૂધ મંડળી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા જેવા જાહેર હિતના અનેક મહત્વના પ્રોજેક્ટ માટે પણ સરકારી જમીન ફાળવી છે.

ગુજરાતમાં ક્રાંતિકારી મહેસૂલી સુધારાઓ અંગે મંત્રીએ કહ્યુ કે, રાજ્યમાં ૩૦ વર્ષ માટે રિન્યુએબલ એનર્જીના તમામ પ્રોજેકટસને હંગામી ધોરણે બિનખેતી કરવા પ્રોત્સાહક નીતિ અમલમાં છે. તે ઉપરાંત બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોતોથી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે જમીન ભાડાપટ્ટે ફાળવણી, તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં સી.સી.ટી.વી. અને ઓનલાઇન સેવાઓ ઉપલબ્ધ બનાવાઇ તેમજ નવી શરતની જમીનોને સુઓ મોટો એટલે કે આપોઆપ જૂની શરતમાં ફેરવવા ઝુંબેશ હાથ ધરી છે.

સમગ્ર રાજ્યમાં ફેસલેસ અને પે૫રલેસ કામગીરીને માઘ્યમ બનાવીને રાજ્ય સરકારે ડીજીટલ ગુજરાત પોર્ટલ બનાવ્યું છે. તમામ જનસેવા કેન્દ્રો પર સરકારના વિવિધ વિભાગોની કુલ ૧૪૮ જેટલી સેવાઓનો લાભ નાગરિકોને આપવામાં આવે છે. આમાંથી ૪૨ સેવાઓમાં તો નાગરિકો દ્વારા કરેલ અરજીઓનો નિકાલ ફક્ત એક દિવસમાં કરી આપવામાં આવે છે. ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં જન સેવા કેન્દ્રો ખાતે વિવિધ સેવાઓ હેઠળ કુલ ૬૮ લાખથી પણ વધુ અરજીઓ મળેલ છે. આજ દિન સુધી રાજ્યના તમામ જનસેવા કેન્દ્રો ૫રથી નાગરિકો દ્વારા કરવામાં આવેલ આશરે ૬.૧૦ કરોડથી વધુ અરજીઓનો નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

મહેસુલી સેવાઓ અંગે વિસ્તારપૂર્વક મંત્રીએ કહ્યુ કે, આવકના દાખલાની સેવામાં અત્યાર સુધીમાં કુલ ૨.૧૫ કરોડથી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અત્યાર સુધીમાં રેશનકાર્ડની વિવિધ સેવાઓ અંગે કુલ ૧.૫૯ કરોડથી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે નોન ક્રિમિલિયર સર્ટીફીકેટ અંગેની ૩૭ લાખથી વધુ અરજીઓ, સામાજીક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગનું પ્રમાણ૫ત્ર અંગેની ૩૧ લાખથી વધુ અરજીઓ, વિધવા સહાય પ્રમાણ૫ત્રની ૪.૪૫ લાખથી વધુ અરજીઓ તેમજ વરિષ્ઠ નાગરિક પ્રમાણ૫ત્ર અંગેની ૫.૨૩ લાખથી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, રાજ્યના નાગરિકોને તમામ મહેસૂલી સેવાઓ સમયસર પૂરી પાડવા મહેસૂલી તંત્ર અને જિલ્લા વહીવટીતંત્રમાં જગ્યાઓ ભરવા માટે અમારી સરકાર કટીબધ્ધ છે. ચાલુ વર્ષે મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટી સંવર્ગમાંથી નાયબ મામલતદાર સંવર્ગમાં ૧૬૯૫ કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે. તે ઉપરાંત નાયબ મામલતદાર સંવર્ગમાંથી ૧૭૪ અધિકારીઓને મામલતદારમાં બઢતી આપવામાં આવી છે અને મામલતદાર સંવર્ગમાંથી ૬૯ અધિકારીઓને નાયબ કલેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. એટલુ જ નહિ, મહેસૂલી કામગીરીનો વ્યાપ વધતા, નાગરિકોને ગુણવત્તાયુક્ત અને ઝડપી સેવાઓ પૂરી પાડવા મહેસૂલ વિભાગ હેઠળ નાયબ કલેક્ટર/મામલતદાર/નાયબ મામલતદાર/સબ રજીસ્ટ્રાર અને અન્ય વિવિધ સંવર્ગોની કુલ ૪૦૯ નવી જગ્યાઓ ઉભી કરવા રૂ.૧૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રીએ કહ્યુ કે, ૨૦૨૩ના ચોમાસા દરમ્યાન રાજ્યમાં સરેરાશ વરસાદના ૧૦૮.૧૬% વરસાદ નોંધાયો છે.  જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા માનવ મૃત્યુ સહાય પેટે રૂા.૫૫૬ લાખ, પશુ મૃત્યુ સહાય માટે રૂા. ૬૦૭.૧૪ લાખ, રોકડ સહાય રૂા.૪૬૫.૬૮ લાખ, ઘરવખરી સહાય રૂા.૧૭૨૬.૮૨ લાખ, ઝૂં૫ડા સહાય રૂા.૬૬.૩૧ લાખ અને મકાન સહાય પેટે રૂા.૮૨૪.૮૨ લાખ અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધીમાં ચૂકવવામાં આવ્યા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news