ધુમ્મસને કારણે એસઆરપી જવાનોની બસ ટ્રક સાથે અથડાઈ
સુરતના કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી. વડોદરા એસ. આર. પી. કેમ્પથી ૨૭ જેટલા જવાનોને લઇ સુરતના ઉધના જઈ રહ્યા હતા. એસ. આર. પી.જવાનોની બસના ચાલકે રોડ ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળથી બસ અથડાવી દેતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. વધુ પડતા ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી હતી.
બસમાં સવાર ૨૭ પેકીના ૪ જવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી જયારે ૧૩ જવાનોને સામાન્ય નાની-મોટી ઈજાઓ થઇ હતી. તમામ ઈજાગ્રસ્તોને કીમ ચાર રસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા કોસંબા પોલીસ તેમજ એસ. આર. પી. ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.