ફાર્મા કંપનીઓ દ્વારા કેમિકલયુકત પાણી છોડાતા નેસડા ગામના આગેવાનો દ્વારા ધોળકાના પ્રાંત અધિકારી, મામલતદાર અને TDO ને આવેદનપત્રો અપાયા
અમદાવાદઃ ધોળકા તાલુકાના નેસડા ગામની સીમમાં ખાનગી ફાર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા નેસડા ગામના આગેવાનો દ્વારા 25 સપ્ટેમ્બરના રોજ ધોળકાના પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી આ સમસ્યા હલ કરવા માંગણી કરવામાં આવી હતી.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ધોળકા અને ભેટાવાડા ગામે આવેલ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી છોડી દેતા નેસડા ગામના ખેતરમાં વસવાટ કરતા કુટુંબોનાં બાળકો છેલ્લા 20 દિવસથી સ્કૂલે જઈ શકતા નથી. ગામમાંથી રાત્રિના સમયે ખેતરમાં ગુલાબ, મોગરો, તગડી, પારસ, ગલગોટો, ડમરો વીણવા જવામાં આ કેમિકલયુક્ત પાણી અવરોધરૂપ બને છે.
આ પાણીમાંથી પસાર થતા લોકોના સંપર્કમાં આવતા લોકોના શરીરે ખંજવાળ આવે છે અને પાણીજન્ય રોગ થવાની ભીતિ છે. ગામના પીવાના પાણીના બોરમાં કેમિકલયુક્ત પાણી ભળવાથી પીવાલાયક બચેલ નથી. આ પાણી જે વહેળા માથી પસાર થાય છે તેની આજુબાજુના બોરના પાણી પીવાલાયક રહેલ નથી. આ કેમિકલ યુક્ત પાણીના કારણે ખેતપાકને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે. તેમ પણ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.
આ આવેદનપત્ર આપતી વેળા નેસડા ગામના આગેવાનો પ્રતાપસિંહ પઢીયાર, વનરાજસિંહ ચૌહાણ, જયેશભાઇ પટેલ, દિનેશભાઇ મકવાણા, મુકેશભાઈ દાયમા હાજર રહ્યા હતા.