દેશમાં ફૂલ્લી વેક્સિનેટેડની સંખ્યા ૬૮ કરોડને પાર
કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓને ત્રણ મહિના પછી જ કોવિડ-૧૯ની રસી આપવાનો નિર્દેશ આપ્યો છે. આમાં પ્રિકોશન ડોઝ પણ શામેલ છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૉલે ગુરુવારે કહ્યું હતું કે ૬૦ વર્ષથી વધુ ઉંમરના લગભગ એક કરોડ લોકો હજુ પણ એવા છે, જેમને હજુ સુધી પ્રથમ ડોઝ મળ્યો નથી. તેમણે કહ્યું હતું કે, “૨૫ ટકાને બીજો ડોઝ મળ્યો નથી. આ એક અધૂરૂં કામ છે. ૧૫-૧૭ વર્ષની વયજૂથના માત્ર ૫૨ ટકા બાળકોને જ આવરી શકાયા છે. આવી સ્થિતિમાં વધુને વધુ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કરોએ આગળ આવવું જોઈએ. રસીની ઉપલબ્ધતા કોઈ સમસ્યા નથી.” ડૉ. પૉલે કહ્યું હતું કે હજુ પણ સાડા છ કરોડ લોકો એવા છે જેમનો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો છે. તેમણે કહ્યું, “દરેક વ્યક્તિએ તેમનો બીજો ડોઝ લેવો જોઈએ. જેઓ સંપૂર્ણપણે સુરક્ષિત નથી તેઓ માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ અન્ય લોકો માટે પણ જોખમી છે.” દેશમાં કોરોના વાયરસના ૩,૩૭,૭૦૪ નવા કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ૨૧,૧૩,૩૬૫ થઈ ગઈ છે, જે છેલ્લા ૨૩૭ દિવસમાં સૌથી વધુ છે. તે જ સમયે, વધુ ૪૮૮ દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક વધીને ૪,૮૮,૮૮૪ થયો છે. જ્યારે પોજીટીવીટી રેટ ૧૭.૨૨ ટકા નોંધાયો હતો જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર ૧૬.૬૫ ટકા રહ્યો હતો.દેશમાં કોરોના વાયરસ સામે ચાલી રહેલા રસીકરણ હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના ૧૬૧.૮૧ કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. આમાં શનિવારે સાંજે ૭ વાગ્યા સુધી આપવામાં આવેલા ૬૧ લાખથી વધુ ડોઝનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં ૯૨.૬૯ કરોડ લોકોને કોવિડ રસીનો ઓછામાં ઓછો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે ૬૮.૩૨ કરોડથી વધુ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧૦ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૭૯,૭૮,૪૩૮ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.
ગયા વર્ષે ૧૬ જાન્યુઆરીના રોજ, દેશમાં આરોગ્ય કર્મચારીઓને રસીના ડોઝ આપવા સાથે રસીકરણની શરૂઆત થઈ હતી. આ પછી, ૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ થી ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. પછીના તબક્કામાં અન્ય જૂથોમાં રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે ૩ જાન્યુઆરીએ ૧૫-૧૮ વર્ષની વયજૂથના કિશોરોને રસી આપવાનું અભિયાન શરૂ થયું હતું. આ વય જૂથમાં અત્યાર સુધીમાં ૪.૧૪ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.