ઝઘડિયાની કર્લોન કંપનીમાં વિકરાળ આગના ઝપટમાં આવી
ઝઘડિયાની જીઆઈડીસીમાં આવેલી કર્લોન કંપનીમાં લાગેલી વિકરાળ આગનો કોલ મળતા જ ઝઘડિયા જીઆઇડીસી, અંકલેશ્વર નોટિફાઇડ એરિયા અને બાદમાં અંકલેશ્વર તેમજ ભરૂચ પાલિકાના ફાયર ફાઈટરો પણ દોડી ગયા હતા. પોલીસ કાફલો, જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ૧૦ થી ૧૧ ફાયર ફાઈટરોની મદદથી વિકરાળ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાનને ૩ થી ૪ કલાક વીતી જવા છતાં આગ સંપૂર્ણ કાબુમાં આવી શકી ન હતી.
આગને પગલે ગોડાઉનમાં રહેલું તમામ ઉત્પાદિત મટિરિયલ્સ અને ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. વરસાદી માહોલ અને ઝરમરીયા વચ્ચે આકાશમાં ૧૦૦ થી ૨૦૦ મીટર સુધી ધુમાડાના ગોટે ગોટાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી દિપક વસાવાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક અનુમાન મુજબ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની હાલ શકયતા છે. જોકે, આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ તપાસને અંતે આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવી શકશે.ઝઘડિયાની જીઆઈડીસીમાં આવેલી કર્લોન એન્ટરપ્રાઇઝ કંપનીમાં શુક્રવારે વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાને પગલે વરસાદી માહોલ વચ્ચે દોડધામ મચી હતી. કર્લોન કંપની મેટ્રેસ બનાવે છે અને તેના ગોડાઉનમાં ઉત્પાદિત મેટ્રેસનો મોટો જથ્થો પડ્યો હતો.
કંપનીમાં ફક્ત ફર્સ્ટશિપ ચાલતી હોવાથી આગની ઘટના વખતે કર્મચારીઓ જૂજ હોવાથી કોઈ જાનહાનિ સર્જાઈ નહિ હોવાનું જાણવા મળે છે. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. મેટ્રિસ સહિત ૯૦ ટકા ગોડાઉન બળીને ખાખ થયું હતું. તેમજ આગ પર કાબૂ મેળવવા માટે ૧૧થી વધુ ફાયર ફાઈટરો કામે લાગ્યા છે. ચાર કલાકની જહેમત બાદ પણ આગ કાબૂમાં આવી નથી.