કેન્દ્ર સરકારે કોરોનાની નેઝલ વેક્સીનને આપી મંજૂરી, ક્યાંથી મેળવી શકાશે તે..જાણો..
દુનિયાભરમાં વધતા કોરોના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે ભારત બાયોટેકની નેઝલ વેક્સીનને મંજૂરી આપી દીધી છે. આ રસી બુસ્ટર ડોઝ તરીકે લઈ શકાશે. નેઝલ વેક્સીન શરૂઆતમાં પ્રાઈવેટ હોસ્પિટલોમાં મળી શકશે. આ અગાઉ DCGI એ ભારત બાયોટેકની ઈન્ટ્રા નેઝલ કોવિડ વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ રસી નાક દ્વારા સ્પ્રે કરીને આપવામાં આવે છે. એટલે કે હાથ પર રસી અપાતી નથી.
DCGI એ ઈન્ટ્રા નેઝલ કોવિડ રસીને ૧૮ વર્ષથી ઉપરની વયના લોકો માટે મંજૂરી આપી છે. ભારત બાયોટેકની આ રસીનું નામ BBV૧૫૪ છે. હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે નેઝળ વેક્સીનનું ૪ હજાર વોલેન્ટિયર્સ પર ક્લીનિકલ ટ્રાયલ કરેલું છે. જેમાં કોઈના ઉપર કોઈ જ પ્રકારની સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી. ઓગસ્ટ મહિનામાં ત્રીજા તબક્કાના ક્લીનિકલ ટ્રાયલ બાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે BBV૧૫૪ રસી ઉપયોગ માટે સુરક્ષિત છે. BBV૧૫૪ અંગે ભારત બાયોટેકે જણાવ્યું કે આ રસીને નાક દ્વારા આપવામાં આવે છે. એ પણ કહેવામાં આવ્યું છે કે આ રસી સસ્તી છે જે ઓછા અને મધ્યમ આવકવાળા દેશો માટે યોગ્ય રહેશે. એવું કહેવાયું છે કે આ રસી ઈન્ફેક્શન અને સંક્રમણને ઓછું કરશે. કેવી રીતે કામ કરે છે રસી? તે..જાણો.. કોરોના સહિત મોટાભાગના વાયરસ મ્યુકોસા દ્વારા શરીરમાં જાય છે. મ્યુકોસા નાક, ફેફસા, પાચનતંત્રમાં મળી આવતો ચિકણો પદાર્થ હોય છે.
નેઝલ રસી સીધી મ્યુકોસામાં જ ઈમ્યુન રિસ્પોન્સ પેદા કરે છે. જ્યારે મસ્ક્યુલર રસી આમ કરતી નથી. કોણ લગાવી શકે છે આ રસી? તે..જાણો.. આ રસી ફક્ત બુસ્ટર ડોઝ તરીકે લગાવવામાં આવે છે. જે લોકો પહેલા રસીના બે ડોઝ લઈ ચૂક્યા છે તેમને આ રસી આપી શકાશે. કોવિડ પોર્ટલના ડેટા મુજબ અત્યાર સુધીમાં ૯૫.૧૦ કરોડથી વધુ લોકો રસીના બે ડોઝ લઈ ચૂક્યા છે. પરંતુ ફક્ત ૨૨.૨૦ કરોડ લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે.