ગુજરાતની સૌથી મોટી અને પ્રથમ ચંદનચોરીની ઘટના, વિકલાંગ પતિ સહિત પત્નીને અંદાજિત રૂપિયા ૩૫.૧૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
સુરતના કામરેજના વિમલ મહેતાને ત્યાંથી ૩૫ લાખનું ચંદન જપ્ત કરાયુ નેત્રંગની ફોરેસ્ટ વિભાગની ટીમે દરોડા પાડી ચંદનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
સુરત: નેત્રંગ વન વિભાગની ટીમ અને ભરૂચ એસ.ઑ.જીએ વાલિયા તાલુકાનાં રૂંઘા ગામમાંથી ચંદનના લાકડા ચોરીનું કૌભાંડ પકડી પાડી વિકલાંગ પતિ સહિત પત્નીને અંદાજિત રૂપિયા ૩૫.૧૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા ફોરેસ્ટ વિભાગે આ ગુજરાતની સૌથી મોટી અને પ્રથમ ચંદનચોરીની ઘટના ગણાવી છે. જેમાં સફેદ ચંદનના ટુકડા, ચિપ્સ, લાકડું, છાલ, મૂળ મળી ૧૦૦૦ કિલોથી વધુ ચંદન જપ્ત કરાયું છે.
નેત્રંગ તાલુકાનાં હાથકુંડી અને જામુની ગામમાંથી ચંદન ચોરીની ઘટના બાદ નેત્રંગ વન વિભાગના આર.એફ.ઑ. સરફરાજ ઘાંચી અને વન વિભાગની ટીમોએ તેમજ ભરૂચ એસ.ઓ.જીની ટીમોએ ચંદન ચોરીમાં સંડોવાયેલ ઇસમોને ઝડપી પાડ્યા માટે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે બાતમી મળી હતી કે, વાલિયા તાલુકાનાં રૂંધા ગામમાં દંપતીએ ચંદનના લાકડાનો જથ્થો સંતાડેલ છે. જે બાતમીના આધારે વન વિભાગની વિવિધ ટીમોએ દરોડા પાડ્યા હતા. વન વિભાગે સ્થળ પરથી ચંદનના ૦.૫૯૬ ધનમીટર લાકડાના ગોળ આખા ૪૫ ટુકડા, ૧૪૭૮ કિલો ચિપ્સ, ૨૮૨ કિલો પાઉડર અને ૧૧૭ KG છાલ, ૧૮૨૫ ૫૪ ગદામણીના મૂળ તેમજ ૬૦ kg અર્જુન સાદડની છાલ, ૪પ kg બિયો છાલ, ૪૯ kg ખપાટ જડીબુટીનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે અન્ય જથ્થો સુરતના કામરેજ ખાતે એપાર્ટમેન્ટના ચોથા માળેથી મળી કુલ ૩૫.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ચંદન ચોરીમાં સડોવાયેલ વિકલાંગ વિમલ મહેતા અને તેની પત્નીને ઝડપી પાડી હતી.
દંપતી છેલ્લા ૧૨ વર્ષથી છૂટી છવાઈ જગ્યા અને ધરો ખેતરોમાં ચાલાકી પૂર્વક વેચાણ કરતાં હોવા સાથે આજુબાજુના રહીશોને પણ તેની ભનક નહીં આવે તે રીતે ચંદનના લાકડાની ચોરી કરી તેનું ખુબ ઊંચા ભાવે વેચાણ કરતાં હતા. સાથે છોટાઉદેપુરથી ડાંગ સુધીના વિસ્તારમાં ખેડૂતો પાસે અને ચોરીના ચંદનના લાકડા ખરીદી કરી ગેરકાયદેસર સંગ્રહ કરી મશીન વડે તેના ટુકડા કરતાં હોવાનું સામે આવ્યું છે.