સિંહના બદલામાં મળનાર પ્રાણીઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોકલાશે
સિંહોના આદાન-પ્રદાન કાર્યક્રમ વધુ એક વખત આગળ વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે સિંહોના આદાન પ્રદાન કાર્યક્રમને મંજૂરી આપતા ગઈ કાલે રાજ્યની કેબિનેટમાં જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી ૪૦ જેટલા સિંહોને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયમાં મોકલવાનો ર્નિણય કર્યો છે. પાછલા એકાદ વર્ષથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહોને દેશના અન્ય ઝૂમાં મોકલવાની પ્રક્રિયા કોરોના સંક્રમણને કારણે બંધ રાખવામાં આવી હતી. જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપતા ફરી એક વખત જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહના આદાન પ્રદાન કાર્યક્રમ આગળ વધી રહ્યો છે.
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી દિલ્હી ઝુને એક નર અને બે માદા મોકલવામાં આવશે. જેના બદલામાં બે હિપોપોટેમસ અને પાંચ જેટલા અન્ય પ્રજાતીના હરણો કેવડિયા કોલોની ખાતે મોકલવામાં આવશે. આ સિવાય જે પ્રાણી સંગ્રહાલયમાં સિંહો મોકલાશે તે પ્રાણી સંગ્રહાલય ત્યાંના રાજ્યોના પશુ પક્ષી કે પ્રાણીને કેવડિયા કોલોની ખાતે સિંહના બદલામાં મોકલી આપશે.
આ કાર્યક્રમ અંતર્ગત દિલ્હી સહિત અન્ય ચાર રાજ્યોના પ્રાણી સંગ્રહાલયને સિંહ અને સિંહણની જોડી મોકલવામાં આવશે તેના બદલામાં કેવડીયા કોલોની પ્રાણી સંગ્રહાલયને અન્ય પ્રાણીઓ પ્રાણીઓના આદાન-પ્રદાન કાર્યક્રમ નીચે મળશે આ સિવાય દેશના ચેન્નઇ હૈદરાબાદ આસામ ભોપાલ પ્રાણી સંગ્રહાલયો પણ સિંહોની માંગ કરી ચૂક્યા છે. જેને આગામી દિવસોમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પૂરી કરી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એશિયામાં એક માત્ર જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એશિયાઇ સિંહોનું બ્રિડિંગ સેન્ટર સફળતાપૂર્વક ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધી ૨૨૦ કરતાં વધુ સિંહ અને સિંહણનું સફળતાપૂર્વક બ્રિડિંગ કરવામાં આવ્યું છે.