જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા અને વરસાદનું એલર્ટઃ ભારતીય હવામાન વિભાગ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરમાં અમુક સ્થળોએ હિમવર્ષા અને વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી અને એનસીઆરમાં હવામાન ચોખ્ખુ રહેશે પરંતુ આવનારા સમયમાં અહીં લઘુત્તમ તાપમાન વધી શકે છે. આવતા ૨૪ કલાકમાં અમુક રાજ્યોમાં વરસાદનુ અનુમાન છે. પહાડો પર હિમવર્ષા થઈ રહી છે. અમુક જગ્યાએ હિમસ્ખલન પણ થયુ છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં ઝડપી પવનો ફૂંકાઈ શકે છે. વાદળો પણ છવાયેલા રહેશે અને તાપમાનમાં પણ ઘટાડો નોંધવામાં આવી શકે છે. દિલ્લીમાં રવિવારે સવારે લઘુત્તમ તાપમાન ૯.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતુ. જે આ સિઝનના સરેરાશ તાપમાનથી એક ડિગ્રી વધુ છે. આઈએમડીના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના અમુક ભાગોમાં આગલા ૨ દિવસ દરમિયાન હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. રવિવારે ઘણા વિસ્તારોમાં રાતનુ તાપમાન સામાન્યથી વધુ નોંધવામાં આવ્યુ. ઘાટીના અમુક વિસ્તારોમાં વરસાદ થયો.
હવામાન વિભાગ મુજબ કાશ્મીરમાં ઘણા સ્થળોએ તાપમાન શૂન્યથી નીચે હતુ. ૯થી ૧૧ ફેબ્રુઆરી વચ્ચે અહીં હળવાથી મધ્યમ વરસાદની વકી છે. અરુણાચલ પ્રદેશમાં અમુક જગ્યાએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. વળી, આગલા ૨૪ કલાક દરમિયાન તમિલનાડુ, કેરળ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને આસામના પૂર્વ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણાની વાત કરીએ તો અહીં ઠંડીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પંજાબના અમૃતસરમાં લઘુત્તમ તાપમાન ૭.૬ ડિગ્રી, લુધિયાણામાં ૯.૭ ડિગ્રી, ભઠિંડામાં ૬.૬ ડિગ્રી, પઠાણકોટમાં ૮.૮ ડિગ્રી નોંધવામાં આવ્યુ. હરિયાણાના હિસારમાં લઘુત્તમ તાપમાન ૯.૨ ડિગ્રી, અંબાલામાં ૧૧.૬ ડિગ્રી નોંધવામાં આવ્યુ. યુપી, બિહારમાં હજુ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. છત્તીસગઢ, ઝારખંડ અને રાજસ્થાનમાં ઠંડીથી રાહત મળી છે.