જંગલમાં ગેરકાયદે ઘૂસી મહેમાનોને સિંહ દર્શનના વાયરલ થયેલા વીડિયો અંગે આરએફઓનો ખુલાસો
ગીર સોમનાથઃ દર વર્ષે ચોમાસામાં ચાર મહિના સાસણગીર સહિતની જંગલ સફારી બંધ કરવામાં આવતી હોય છે. વન્ય પ્રાણીઓનો પ્રજનન કાળ હોવાથી પ્રવાસીઓ માટે જંગલમાં પ્રવેશબંધી રાખવામાં આવે છે. પરંતુ કેટલીક વાર સોશિયલ મીડિયામાં એવા વિવાદિત વીડિયો વાયરલ થઈ જતા હોય છે, જેના કારણે વિવાદનું મૂળ બને છે.
સોશિયલ મીડિયામાં હાલ સાસણના આરએફઓની સરકારી ગાડીમાં જંગલ સફારી બંધ હોવા છતાં મહેમાનોને ગેરકાયદેસર રીતે જંગલમાં ઘૂસી અને સિંહ દર્શન કરાવતો વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે વન વિભાગ સામે સવાલો ઉઠ્યા હતા.
આ ઘટના વિવાદમાં આવ્યા બાદ સાસણગીરના RFOએ સમગ્ર ઘટના પર ખુલાસો કર્યો છે. ગેરકાયદેસર રીતે મહેમાનોને સાસણગીરમાં સિંહ દર્શનનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ સાસણગીરના RFOએ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે સરકારી ગાડીમાં કોઈ મહેમાનોને સિંહ દર્શન કરાવવામાં આવ્યું નથી. ગાડીમાં અમારા જ સ્ટાફના લોકો હતા. આ ઘટનામાં ખોટી રીતે વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. સાસણના આરએફઓની સરકારી ગાડીમાં ભંભાફોળ ચેકપોસ્ટ પરથી મહેમાનોને જંગલમાં ગેરકાયદેસર ઘૂસી સિંહ દર્શન કરી પરત ફરતા હોવાની ઘટના કેમેરામાં કેદ થતાં વન વિભાગ સામે સવાલો ઉઠયા હતા.
ગીરના જંગલ સફારી ચોમાસાના ચાર મહિના પ્રવાસીઓ માટે સદંતર બંધ રાખવામાં આવે છે. એવા સમયે સાસણના આરએફઓની સરકારી ગાડીમાં મહેમાનો જંગલમાં પ્રવેશ કરતા અને થોડા સમય બાદ સિંહ દર્શન કરી આરએફઓના મહેમાન પરત ભંભાફોળના નાકેથી પરત નીકળી રહ્યા હોય એવો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં મહેમાનો ભંભાફોળ ચેકપોસ્ટ પરથી બહાર નીકળતા નજરે પડી રહ્યા છે. સમગ્ર ઘટનાના કેમેરામાં કેદ થઈ હતી. આ અંગેની ગંભીર બેદરકારી ચર્ચામાં આવ્યા બાદ સાસણગીરના RFO એ સમગ્ર ઘટના અંગે ખુલાસો કર્યો છે.