નાના એકમો માટેના CETPમાં મોટા એકમોની ગંદકીનું “શુદ્ધિકરણ”??

  • દાણીલીમડા CETP પુનઃશરૂ કરાવવામાં શા માટે મોટા એકમો દાખવી રહ્યાં છે રસ?
  • પર્યાવરણના ભોગે કોના આશીર્વાદ હેઠળ ચાલી રહી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ?
  • ગેરકાયદેસર ચાલતા એકમોના વીજ વપરાશના બિલથી અનેક પ્રશ્નોના મળી શકે છે જવાબ

અમદાવાદઃ આજે ભ્રષ્ટાચાર હેઠળ નબળાના નામે સબળા પોતાનો સ્વાર્થ સાધી લેતા હોય છે. આવા કિસ્સાઓમાં ફૂલડા ડૂબી જાય અને પથરા તરી જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. જોકે, ભ્રષ્ટાચાર સર્વવ્યાપી હોવાથી હવે ઉપરોક્ત ઉક્તિ જેવી સ્થિતિ આશ્ચર્ય સર્જતી નથી એ વાત ચોક્કસ છે. ભ્રષ્ટાચારીઓના ખમીર જ્યારે ત્રાજવે તોળાતા થઇ જતા હોય ત્યારે પર્યાવરણની કોને પડી હોય..? અહીં આજે વાત પર્યાવરણના ભોગે મીઠી નજર હેઠળ અમદાવાદમાં ચાલી રહેલા કેટલાંક ઉદ્યોગોની કરવી છે.

એ વાત ખૂબ જ ગંભીરતાથી નોંધનીય છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કડક કાર્યવાહી કરી બંધ કરી દેતા સુએઝ ફાર્મ અને દાણીલીમડાના CETP (ટ્રીટમેન્ટ પ્લાન્ટ) કાર્યરત નથી, તેમજ જાળવણી કાર્ય ચાલુ હોવાને કારણે તે બંધ છે, તેમ છતાં, કેટલાંક એકમો પર્યાવરણના ભોગે રાત્રે ઉત્પાદન પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ AMC અને GPCBના અધિકારીઓના આશીર્વાદ હેઠળ ચાલી રહી હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, કેટલાંક પાસા ચકાસતા આ શંકા દ્રઢ બની જાય છે.

આ દિશામાં આ વિસ્તારમાં ચાલતા એકમોના વીજ વપરાશના બિલના આંકડાઓને ચકાસવામાં આવે તો અનેક પ્રશ્નોના જવાબ મળી શકે છે. ખાસ કરીને જ્યારે CETP કાર્યરત ન હોય તેવી સ્થિતિમાં, GPCB અને AMC દ્વારા અહીંના એકમોના મહિના દીઠ વીજ વપરાશના બિલના આંકડાઓને ક્રોસ ચેક કરવામાં આવે તો આ યુનિટ્સ કેવી રીતે કાર્યરત થયા તેની વિગતો સામે આવી શકે છે. વધુમાં, GPCBને આ વિસ્તારમાં આવેલા એકમોમાંથી વીજ વપરાશ અને ગંદા પાણીના નિકાલ અંગે સંપૂર્ણ વિગતો સાથે સોગંદનામું ફાઇલ કરવા માટે કડક સૂચના જારી કરી શકાય છે.

માનનીય હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સમક્ષ મામલો ન્યાયાધીન હોવા છતાં, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) ધોરણો અને પીરાણા-કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) નિયમોનું ખુલ્લેઆમ અને સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. CETP સંપૂર્ણપણે બિનકાર્યક્ષમ છે અને આવા સંજોગોમાં, આ કાપડ (સુએઝ ફાર્મ અને બહેરામપુરા) એકમોને કોઈપણ પ્રકારની પરવાનગી આપવી એ સંપૂર્ણપણે અન્યાયી છે અને પર્યાવરણીય પાલન ધોરણોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. વધુમાં, આવા એકમોને કોઈપણ પ્રકારની  મંજૂરી આપવી જોઈએ નહીં, કારણ કે એવી મજબૂત આશંકા છે કે તેઓ અયોગ્ય અથવા અનિયમિત માધ્યમો દ્વારા પરવાનગી મેળવવાનો પ્રયાસ કરી શકે છે.

સુએઝ ફાર્મ સ્થિત મોટા એકમોએ મૂળ નાના એકમોના ભોગે AHSPAમાં સદસ્યપદ મેળવી CETPમાં ટ્રીટ કર્યા વગરનું ગંદુ પાણી છોડવાના કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અન્વયે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી આ CETPને ક્લોઝર (closure)  આપવાંમાં આવેલ છે. જેના કારણે અનેક નાના એકમો લાંબા સમયથી બંધ છે.

ત્યારે સુએઝ ફાર્મ સ્થિત મોટા એકમોએ પોતાના એકમોની હયાત ઉત્પાદન ક્ષમતા કરતા ખૂબ જ ઓછી ઉત્પાદન ક્ષમતા બતાવી તે અનુસાર ખૂબ જ ઓછું ગંદુ પાણી ઉત્પન્ન થતું હોવાનું બતાવી નાના એકમો માટે બનાવેલ CETPમાં મૂળ સદસ્ય એવા નાના એકમોના ભોગે સભ્યપદ મેળવવાનું અત્યંત ઘૃણાસ્પદ કાર્ય કરેલ છે. જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આંખોમાં ધૂળ નાંખવાની બાબત છે. જેથી આવા એકમોની ઝીણવટભરી તટસ્થ તપાસ કરાવી આ એકમો વિરૂદ્ધ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવે તે પર્યાવરણ સરંક્ષણની દિશામાં એક આવકાર્ય પગલું સાબિત થશે.

આ એકમો યેનકેન પ્રકારે નિયમોની છટકબારીઓનો ઉપયોગ કરી મંજૂરી મેળવી મંજૂર થયેલ જથ્થો CETP મારફત અને બાકીનો ગંદા પાણીનો જથ્થો ગેરકાયદેસર રીતે સાબરમતિ નદીમાં છોડશે. આ બાબત નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં વિચારાધીન હોવાના કારણે તેઓના આદેશની અવમાનના થશે જેના કારણે હાલની નિષ્ઠાવાન અને પ્રમાણિક સરકારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે. જેથી આ બાબતે તત્કાલિક કાર્યવાહી થાય તે ઇચ્છનીય છે.

સુએઝ ફાર્મ સ્થિત મોટા એકમો દાણીલીમડાના નાના એકમોને હાથો બનાવી હજારો લોકોની આજીવિકાનો પ્રશ્ન બનાવી CETP ફરીથી ચાલુ કરાવવા માટે રસ દાખવી રહ્યાં છે. જો આ મોટા એકમો નાના એકમોના ભોગે તેમના પ્રયત્નોમા સફળ થઇ જશે તો હજારો નાના ઉધ્યમકારીઓ  જેમણે નાના એકમો પ્રસ્થાપિત કરેલ છે તેઓને તે બંધ કરી ફરી મજુરી કરવી પડશે. આ સ્થિતિમાં ફૂલડા ડૂબી જાયને પથરા તરી જાય જેવો ઘાટ સર્જાઇ ન જાય તે માટે નાના એકમોના હિતને ધ્યાને રાખી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બાબત છે.

*FILE PHOTO

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news