દિલ્હીમાં NGTની આંતરરાષ્ટ્રીય પર્યાવરણ પરિષદનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે
વિજ્ઞાન ભવન ખાતે ‘ધ ફ્યુચર ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઈમેટ ડાયનેમિક્સ’ વિષય પર વૈશ્વિક મંથન: ૧૭ દેશોના ન્યાયાધીશો અને પર્યાવરણવિદો ભાગ લેશે
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ‘ધ ફ્યુચર ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઈમેટ ડાયનેમિક્સ’ નું ઉદ્ઘાટન શનિવાર, ૧૯ સપ્ટેમ્બરે સવારે ૧૦:૦૦ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. પર્યાવરણીય શાસન, કાયદાકીય કડકતા અને ક્લાઈમેટ ચેન્જના વધતા સવાલો પર વિચાર-વિમર્શ કરવાના હેતુથી યોજાઈ રહેલી આ પરિષદમાં ભારત સહિત વિશ્વના ૧૭થી વધુ દેશોના અગ્રણી ન્યાયમૂર્તિઓ, કાયદાકીય નિષ્ણાતો અને પર્યાવરણવિદો એક મંચ પર ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્ય કાંત, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અટોર્ની જનરલ આર. વેંકટરામણ અને NGTના અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ વિશેષ હાજરી આપશે.
આંતરરાષ્ટ્રીય સ્તરની આ કોન્ફરન્સમાં સુપ્રીમ કોર્ટ અને દેશની વિવિધ હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, ડિસ્ટ્રિક્ટ જજ, કેન્દ્રીય મંત્રાલયોના સચિવો, વરિષ્ઠ સરકારી અધિકારીઓ તેમજ રાજ્ય લીગલ સર્વિસિસ ઓથોરિટી, સ્ટેટ જ્યુડિશિયલ એકેડેમી, રાજ્ય સ્તરની પર્યાવરણીય મંજૂરી આપતી સંસ્થાઓ SEIAA, SEAC અને સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટીના પ્રતિનિધિઓ ભાગ લેશે. જુદા જુદા દેશોની અદાલતો દ્વારા પર્યાવરણીય કેસોમાં લેવાતા ન્યાયિક અભિગમ, વૈજ્ઞાનિક ડેટાનું આદાન-પ્રદાન, પર્યાવરણીય શાસનના અનુભવો અને નીતિઓના ગ્રાઉન્ડ-લેવલ અમલીકરણ અંગે આ પરિષદમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
આ કોન્ફરન્સ દરમિયાન પર્યાવરણીય કાયદાઓ અને નીતિઓના નિર્માણ તેમજ તેના અમલીકરણ વચ્ચે રહેલા અંતરને દૂર કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સાથોસાથ પર્યાવરણીય અદાલતો, સરકારી વિભાગો, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને નિયમનકારી સંસ્થાઓ વચ્ચે પરસ્પર સંસ્થાકીય સહયોગ વધારવાની વ્યુહરચના પર મંથન થશે. આ ઉપરાંત પર્યાવરણીય પ્રદૂષણ, ઔદ્યોગિક નિયમન અને જળ-જમીન સંરક્ષણ માટે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ નીતિઓ અને અનુભવોનું આદાન-પ્રદાન પણ કરવામાં આવશે. આ બે દિવસીય પરિષદના સમાપન સત્રમાં રવિવાર, ૨૦ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી સંબોધન કરશે.










