માણસા તાલુકાના ચડાસણા ગામ ખાતે ગ્રામજનો લોકજાગૃતિ થાય તે હેતુસર “પ્લાસ્ટિક મુક્ત ગામ” ઝુંબેશનું આયોજન કરાયું
માણસા: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત હાલમાં ODF+ મોડેલ ગામની કામગીરી પુરજોશમાં ચાલી રહેલ છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામને ODF+ મોડેલ ગામ જાહેર કરવા તથા ગ્રામજનો લોકજાગૃતિ થાય તે હેતુસર “પ્લાસ્ટિક મુક્ત ગામ” ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.
માણસા તાલુકાના ચડાસણા ગામ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જીજ્ઞાશાબેન વેગડાની અધ્યક્ષતામાં શ્રમદાન થકી સફાઇ, વૃક્ષારોપણ તથા સફાઇ કર્મચારીઓનું સન્માન કરવાના કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે બિસલરી સંસ્થાના પ્રતિનિધિ ધ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવવા પાછળના ઉમદભાવ અંગે સર્વેને જાગૃત કર્યા હતા. તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણ ને કેટલું નુકસાન થાય છે તેનાથી પણ સર્વને માહિતગાર કર્યા હતા. રિસાઇકલ પ્લાસ્ટિક માંથી બનતી ચીજવસ્તુઓનું ડેમોસ્ટ્રેશન રજૂ કર્યું હતું.
આ કાર્યક્રમમાં માણસા તાલુકા વિકાસ અધિકારી સહિત ગામની મહિલાઓ અને ગામના અગ્રણીઓ ઉત્સાહભેર સમગ્ર કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.