ઝાંઝરડા ગામમાં મગફળી પલળી જતા ખેડુતોને નુકસાન
જૂનાગઢ જીલ્લામાં ખેડૂતોને વરસાદ અનીયમીત હોવાથી ખેડૂતોને ખેતી પાકમાં ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ઝાંઝરડા ગામના ખેડૂતોએ ૧ વીઘાની મગફળી વાવતેરમાં ૧૦ થી ૧૨ હજારનો ખર્ચ કરી નાખ્યો છે. એવા સમયે આજે બીયારણ,ખાતર, જંતુ નાશક દવાની સાથે મજૂરી કામ મોંઘુ બન્યું છે. ત્યારે ખેડૂતોનો તૈયાર થયેલ પાક ઉપર વરસાદ પડતા લાખો રૂપીયાની નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોને આશા હતી કે છેલ્લે છેલ્લે સારો વરસાદ પડતા મગફળી પાકનું ઉત્પાદન સારૂ થશે એવા સમયે ફરી વરસાદ પડતા આજે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.જૂનાગઢ તાલુકા અને જીલ્લામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી જોરદાર વરસાદી ઝાપટાથી ૧ ઇંચ સુધી વરસાદ પડતા ખેતી પાકને ભારે નુકશાની જોવા મળી રહી છે.
ઝાંઝરડા ગામે મગફળીના પાથરા ઉપર વરસાદ પડતા મગફળીના પાકને નુકશાન જોવા મળી રહયું છે. રોજ બપોર બાદ વરસાદ પડતાં જગતનો તાત બન્યો ચિંતિત બન્યો છે. ખેડૂતોના મગફળીના પાક ખેતરમાં પડ્યા બાદ હવે પશુના ચારાને નુકશાન થયું છે. પણ હવે ખેતરમાં પડેલી મગફળીમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જૂનાગઢ જીલ્લામાં ચોમાસુ વિદાઈનું નામ નથી લેતું. હજુ વરસાદી માહોલ જોવા મળી રહયો છે. છેલ્લા ચાર પાંચ દિવસથી અનેક તાલુકામાં વરસાદ પડતા મગફળી,કપાસ, સોયાબીન સહીત કઠોળ પાકને નુકશાન જોવા મળી રહયું છે. વરસાદી નુકસાનીના દ્રશ્યો ઝાંઝરડા ગામમાં જોવા મળી રહ્યાં છે. મગફળીનો પાક તૈયાર થયો હતો. અને ખેડૂતોએ મગફળીના પાથરા કર્યા હતા. એવા સમયે વરસાદ પડતા મગફળીના પાથરા પલળી જતા મગફળીનો પાક ફેલ થયો છે. તેની સાથે પશુનો ચારો પણ નષ્ટ થયો છે. ખેડૂતોના મોઢે આવેલ કોળીયો ઝુંટવાઈ ગયો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છેકે તાત્કાલિક સર્વે કરીને સહાય ચુકવવામાં આવે.