જુનાગઢમાં મીની વાવાઝોડાના કારણે સિવિલ હોસ્પિટલમાં એલીવેશનનો ભાગ અને કાચ તૂટતા લોકોમાં ભયનો માહોલ
વાતાવરણ આવેલ અચાનક બદલાવના કારણે રાજ્યમાં ભારે પવન સાથે કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો ત્યારે જૂનાગઢમાં મીની વાવાઝોડાના આગમનથી શહેરનું જનજીવન પ્રભાવિત થયું હતું, સાથોસાથ શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષ પડી જવાની પણ ઘટનાઓ સામે આવી હતી. રાત્રીના સમયે ફૂંકાયેલા પવનથી અંદાજે ૪૦ થી ૬૦ કિમિ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનથી શહેરમાં કેટલીક જગ્યાએ વીજળી પણ ગુલ થઈ હતી, ત્યારે ઠંડો પવન ફૂંકાતા લોકોને ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી હતી. જૂનાગઢમાં અંદાજે ૪૦ થી ૬૦ કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગમાં કરવામાં આવેલ એલિવેશનના કાચ તૂટીને નીચે પડ્યાં હતાં. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ ઘટના પછી તંત્ર ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે.
જૂનાગઢની સિવિલ હોસ્પિટલનું નિર્માણ રૂ.૬૦૦ કરોડના ખર્ચે થયું છે, ત્યારે સ્વચ્છતા અને વ્યવસ્થાને લઈને અનેકવાર ચર્ચામાં આવેલ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. રાત્રીના સમયે આ ઘટના બની હોવાથી, સદ્દનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ અચાનક આવેલી કુદરતી આફતે સિવિલ હોસ્પિટલના બાંધકામમાં થયેલ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે, એવો આક્ષેપ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. તેઓએ વધુમાં કહ્યું કે, માત્ર આવા નજીવા પવનમાં જો આટલું ગંભીર નુકસાન થયું છે, ત્યારે બિલ્ડીંગ નિર્માણમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તેનો અંદાજ આ ઘટના પરથી લગાવી શકાય છે.જૂનાગઢમાં આવેલ મીની વાવાઝોડાને કારણે સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગમાં બહારની બાજુથી કરવામાં આવેલ એલિવેશન તેમજ કાચને ભારે નુકસાન થયું છે. પવન ફૂંકાતાની સાથે જ દીવાલ પર એલિવેશન માટે લગાડવામાં આવેલ શોભાના કાચ તૂટીને જમીનદોસ્ત થયાં હતાં.