પીરાણા પીપળજ રોડ પર રૂના ગોડાઉનમાં આગ લાગી
પીરાણા પીપળજ રોડ પર આવેલા રાકેશ ફેબ્રિક નામના ગોડાઉનમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની ૮ ગજરાજ અને એક મિનિ ફાઈટરને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકની ભારે જહેમત કરી અને આગને કાબૂમાં લીધી હતી. રૂનું ગોડાઉન હોવાથી આગ વધુ ફેલાઈ હતી. હાલમાં આગ કાબૂમાં આવી ગઈ છે. તેમજ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ૧૬ જાન્યુઆરીએ દહેગામ પાસે ઝાક જીઆઈડીસીમાં આવેલા લાકડાંના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ થતાં ૧૩ જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બે કલાકમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. લાકડાંનું ગોડાઉન હોવાથી દરવાજા સહિતનો માલસામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો. બે લાખ લિટર પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાઈ હતી.
અમદાવાદના ઘુમા પાસે બે દિવસ પહેલાં મોડી રાતે એમ્બ્યુલન્સ આગ લાગી હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં હાલ કોઇ જાનહાનિ થઇ નહીં હોવાની વિગત સામે આવી હતી.આગ એટલી ભયંકર હતી કે આસપાસના લોકો દોડીને બહાર આવી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. ઘણી જહેમત બાદ ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોએ ભેગા મળી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આગનું કારણ જાણવા માટે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદમાં પીરાણા પીપળજ રોડ પર સ્થિત રૂના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાનો કોલ મળતાં જ ફાયરબ્રિગેડની આઠ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. બે કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાઈ હતી. હાલમાં આગ કાબુમાં આવી જતાં કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે.