હવે વિદેશી પ્રવાસીઓ તાજમહેલ નહી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવે છેઃ સીઆર પાટીલ
ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલે ગુરુવારે રાજકોટના નાના માવા ચોક ખાતે યોજાયેલી જાહેર સભામાં નિવેદન આપ્યુ છે કે વર્ષો પહેલા વિદેશી પ્રવાસીઓ ભારતમાં તાજમહેલ જોવા માટે આવતા હતા.જો કે હવે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવે છે. તેમણે જણાવ્યુ હતુ કે નર્મદા જિલ્લાના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા આવેલી છે. જ્યારે આગ્રામાં ૧૭મી સદીના મધ્યમાં મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા બનાવવામાં આવેલ તાજમહેલ વિશ્વની અજાયબીઓમાંની એક માનવામાં આવે છે.સી આર પાટીલે પોતાના સંબોધનમાં એમ પણ જણાવ્યુ હતુ કે પહેલાના સમયમાં વિદેશી પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવે ત્યારે પોતાની નોંધમાં લખતા હતા કે તેઓ તાજમહેલ જોવા ભારતમાં આવ્યા છે.
જો કે હવે આ વિદેશી પ્રવાસીઓ નોંધમાં લખે છે કે તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવ્યા છે. વિદેશીઓ મહાન વ્યક્તિની પ્રતિમા અને આપણા રાષ્ટ્રનું ગૌરવ જોવા આવે છે.તેમણે જણાવ્યુ હતુ કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરીને PM મોદીએ અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન એવા સરદાર પટેલને યોગ્ય શ્રદ્ધાંજલિ આપી હતી.તેમણે જણાવ્યુ કે જ્યારે આપણો દેશ આઝાદ થયો, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે રાતોરાત ૫૬૨ રજવાડાઓને એક કર્યા અને ‘અખંડ ભારત’ની રચના કરી. અખંડ ભારત બનાવવાનું શ્રેય જો કોઈને જાય તો તે સરદાર વલ્લભભાઈ પટેલ છે. તેમની પ્રતિમા તેમની ‘પ્રતિભા’ ના પ્રમાણમાં હોવી જોઈએ અને તેથી, નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું છે.
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના નવ વર્ષના શાસનની સિદ્ધિઓને ઉજાગર કરવાના ભાગરૂપે ગુરુવારે રાજકોટમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખે સંબોધન કર્યુ હતુ. આ બેઠકમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુ બાબરીયા, સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો અને ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા.