ગંગાના પાણીમાં કોરોનાનો કોઇ અંશ નથી મળ્યોઃ રિસર્ચમાં દાવો
કોરોનાની બીજી લહેરે ભારતમાં ભારે તબાહી મચાવી છે. કોવિડની બીજી લહેરમાં બે લાખથી વધારે લોકોના મોત થયા. બીજી લહેર જ્યારે પીક પર હતી, તે સમયે સ્મશાન ઘાટ, કબ્રસ્તાનોથી અત્યંત ભયંકર તસવીરો સામે આવી. આ દરમિયાન યુપી અને બિહારમાં ગંગા નદીમાં પણ મોટી સંખ્યામાં મૃતદેહો મળ્યા હતા. ઘણા લોકોએ શક્યતાઓ વ્યક્ત કરી કે આ મોતો કોરોનાથી થયા હોઈ શકે છે.
આ દરમિયાન કેટલાક લોકોએ ગંગાના પાણીમાં કોવિડ સંક્રમણ થયાની પણ શક્યતા વ્યક્ત કરી હતી, પરંતુ હવે એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે ગંગાના પાણીમાં કોરોનાનો કોઈ અંશ નથી મળ્યો. ઉલ્લેખનીય છે કે કેટલાક જિલ્લાઓમાં નદીમાંથી મૃતદેહ નીકાળવામાં આવ્યા બાદ સરકાર દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં ગંગાના પાણીમાં કોરોના વાયરસના કોઈ અંશ જોવા મળ્યા નહોતા. સૂત્રોએ બુધવારના આ જાણકારી આપી.
આ સંશોધન જળશક્તિ મંત્રાલય અંતર્ગત આવનારા રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન દ્વારા વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક સંશોધન પરિષદ, આઇઆઇટીઆર, લખનૌ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડના સહયોગથી કરવામાં આવ્યું. સૂત્રોએ કહ્યું કે, સંશોધન બે તબક્કામાં કરવામાં આવ્યું જેમાં કન્નૌજ, ઉન્નાવ, કાનપુર, હમીરપુર, અલ્હાબાદ, વારાણસી, બલિયા, બક્સર, ગાઝીપુર, પટના અને છપરાથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.
સૂત્રોએ કહ્યું કે, “એકત્ર કરવામાં આવેલા સેમ્પલમાંથી કોઈ પણમાં સાર્સ-સીઓવી-૨ના અંશ નથી મળ્યા.” વાયરોલોજીકલ અધ્યયન હેઠળ પાણીના નમૂનાઓથી વાયરસના આરએનએને નીકાળવામાં આવ્યા, જેથી જળાશયમાં વાયરલ લોડ નક્કી કરવા માટે આરટી-પીસીઆર તપાસ કરી શકાય.