નારોલ ગેસ ટ્રેજેડીઃ મૃતકના પરિવારજનોના કંપની બહાર ધરણા, ન્યાય માટે તંત્ર સમક્ષ માંગ
- કંપનીએ મૃતકના પરિવારને વળતર ચૂકવવાની ચોખ્ખી ના ભણી
- મૃતકના પરિવારજનો કંપની બહાર ધરણા પર બેસી ન્યાય માટે લગાવી ગુહાર
- ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વિકારવા પરિવારજનો ઇન્કાર
અમદાવાદઃ દિવાળીના દિવસોમાં જ્યાં એક તરફ લોકોમાં ઉલ્લાસ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ નારોલ ગેસ ટ્રેજેડીના હતભાગી મૃતકોના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દેવી સિન્થેટિક કંપનીના સત્તાધીશોએ મૃતકોને કોઈપણ પ્રકારનું વળતર ચૂકવવામા નહીં આવે તેમ કહી દેતા મૃતકના પરિવારજનો ન્યાય માટે કંપનીની બહાર ધરણા પર બેઠા છે.
નારોલ જીઆઈડીસીમાં બનેલી ગેસ ગળતરની દુર્ઘટનામાં બ 2ના મોત થયા છે. આ ઘટનાથી આ પરિવારોનો માળો વેરવિખેર થઇ ગયો છે, કોઇ વૃદ્ધ પિતાએ પોતાના યુવાન દીકરાને ગુમાવ્યો છે, તો કોઇ નાના બાળકે તેના પિતાની છત્રછાયા કાયમ માટે ગુમાવી દીધી છે. આ સ્થિતિમાં આ પરિવારો પર જાણે દુખોના પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે, ત્યારે દેવી સિન્થેટિક પ્રા. લિ.ના સત્તાધીશોએ યોગ્ય વળતર આપવાની ના પાડી દેતા અંતે ન્યાય માટે મૃતકના પરિવારજનોને સરકાર અને તંત્ર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે ધરણા કરવા પડી રહ્યાં છે. દીકરાના મૃત્યુથી હતાશ વૃદ્ધ પિતા આજે દીકરાના નાના-નાના બાળકો માટે ન્યાય માંગી રહ્યાં છે.
વિગત પ્રમાણે નારોલ ગેસ ટ્રેજેડીમાં કમલ યાદવ નામના યુવકનું મૃત્યુ થવા પામ્યું હતુ. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળી વૃદ્ધ પિતા ઉત્તર પ્રદેશથી અમદાવાદ દોડી આવ્યા હતા. કંપનીએ તેમનો સંપર્ક કરી તેમને યોગ્ય વળતર આપવાનું જણાવ્યું હતુ, બાદમાં કંપની દ્વારા કોઈપણ જાતનું વળતર આપવામાં નહીં આવે તેમ જણાવતા વૃદ્ધ પિતા પર આફતનો પહાડ તૂટી પડ્યો હતો. મૃતકના પરિવારના જણાવ્યા મુજબ કંપની દ્વારા ઉદ્ધતાઈથી કોઈપણ વળતર આપવા માટે ઘસીને ના પાડી દીધી હતી. મૃતક દીકરાના નાના બાળકોના ભવિષ્ય માટે પરિવારે કંપનીની બહાર જ ધરણા પર બેસી ન્યાય માટે ગુહાર લગાવી છે. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતકની લાશનો અસ્વિકાર કરી રહ્યાં છે.
અહીં ધરણા પર બેઠેલા પરિવારજનો સાથે અનેક લોકો જોડાઈ રહ્યાં છે. આશરે 125થી વધુ લોકો દેવી સિન્થેટિકની બહાર ધરણા સ્થળે પહોંચ્યા છે, અનેક લોકો પહોંચી રહ્યાં છે. આ લોકો માત્રને માત્ર મૃતકના પરિવારને ન્યાય મળે અને નાના બાળકોના ભવિષ્ય માટે યોગ્ય વળતર મળે તેમ ઇચ્છી રહ્યાં છે.
દેવી સિન્થેટિક કંપનીમાં ગેસ ગળતરની ઘટના અનેક પ્રશ્નો ઉભા કરે છે. દેવી સિન્થેટિક પાસે આ પ્રકારના સ્પેન્ટ એસિડ વાપરવા માટે જરૂરી રૂલ-9ની મંજૂરી હતી કે નહીં? જો રૂલ-9ની મંજૂરી ન હોય તો મેનીફેસ્ટ જનરેટ થાય? ઓનલાઇન મોનિટરિંગ શક્ય છે? વપરાશ માટે એક સ્થળેથી બીજા સ્થળે સ્પેન્ટ એસિડનું ટ્રાન્સપોર્ટેશન કરી શકાય?