વટવા જીઆીડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે
અમદાવાદઃ વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જીઆઈડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેક્ટરીમાં આગની ઘટના બનવા પામી હતી. બપોરના સમયે આશરે 2.30 કલાકે લાગેલી આગે જોતજાતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. ભીષણ આગના પગલે ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
સોલવંટ અને ઇથાઇલ કેમિકલ હોવાના કારણે જયશ્રી ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેની આસપાસ આપેવી ત્રણ-ચાર ફેક્ટરી તેમજ વાહનો આ આગની ચપેટમાં આવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે.. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સહિત 25 જેટલા નાના મોટા ફાયરના વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાની પ્રયાસો હાથ ધર્યા હતા.
ફાયરના લાશ્કરો દ્વારા તમામ બાજુએથી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. આગના કારણે આકાશ કાળા રંગના ધૂમાડાથી છવાઇ ગયેલું જોવા મળી રહ્યું હતું જેને દૂરથી પણ જોઇ શકાતા હતા. આગની આ ઘટનામાં બે લોકોને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાત્રિના 9 કલાક સુધી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી.