ગાંધીનગર જિલ્લામાં પોરા નાશક અભિયાનનો પ્રારંભ
ગાંધીનગરમાં વરસાદ પડ્યા પછી છેલ્લા ઘણા સમયથી ધૂપ છાવનાં વાતાવરણનાં કારણે મેલેરિયા, ડેન્ગ્યુની સાથે ચિકનગુનીયાના કેસ પણ સામે આવી રહ્યા છે. ગાંધીનગરના ગ્રામ્ય તેમજ ન્યુ ગાંધીનગર વિસ્તારમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનીયા જેવા વાહક જન્ય રોગચાળા એ માઝા મૂકી છે. એક અંદાજ મુજબ ન્યુ ગાંધીનગર વિસ્તારમાં જ દોઢસો જેટલા વાહક જન્ય રોગના દર્દીઓ સામે આવી ચૂક્યા છે.ગાંધીનગર જિલ્લામાં મચ્છરજન્ય રોગ ચાળાને કાબુમાં લેવા આરોગ્ય તંત્ર દ્વારા સ્કૂલ, કોલેજો, રેસ્ટોરન્ટ તેમજ કન્સ્ટ્રક્શન સાઈટ સહિતના એકમો પર અગાઉ ચેકીંગ હાથ ધરી પોરા નાશક કામગીરી કરવામાં આવી હતી. તેમ છતાં ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગ ચાળાએ માથું ઊંચકયુ છે. ગાંધીનગરમાં કોરોના કેસ સતત ઘટી ગયા છે, ત્યારે મચ્છરજન્ય બીમારીઓ વધી જવા પામી છે.
કોર્પોરેશન તંત્ર ધ્વારા ડોર ટુ ડોર સર્વે કરી તાવના દર્દીઓની માહિતી એકઠી કરવાની કામગીરીમાં જોતરાઈ ગયું છે. એ સિવાય મચ્છરો ના ઉત્પત્તિ સ્થાનો શોધી કાઢી પોરા નાશક કામગીરી કરવામાં આવી રહી છે. જેનું સીધું મોનીટરીંગ પણ કોર્પોરેશન આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ ગોસ્વામી ધ્વારા સતત કરવામાં આવી રહ્યું છે.ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો તો બીજી બાજુ વાહક જન્ય રોગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. દિનકર રાવલ દ્વારા તમામ કોર્પોરેશનના કમિશ્નર અને જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીઓને વાહન જન્ય રોગ અટકાવવા અને જરૂરી સઘન નિયંત્રણ પગલાં ભરવા સુચના આપી અપાઈ છે. જેનાં પગલે ગાંધીનગર જિલ્લામાં ડોર ટુ ડોર ફીવર સર્વેલન્સ તેમજ પોરા નાશક કામગીરીની ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે.
વરસાદી સિઝનમાં વાહક જન્ય રોગના દર્દીઓમાં ઉછાળો આવતાં શહેરની લેબોરેટરીઓમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનીયાના રિપૉર્ટ વધુ થવા લાગ્યા છે. આ અંગે ખાનગી લેબોરેટરીના સંચાલકે જણાવ્યું હતું કે વરસાદ ની સિઝનમાં મચ્છર જન્ય રોગો વધી ગયા છે. જેનાં કારણે રોજના ૧૫ થી વધુ દર્દીઓ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનીયાના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજય જાહેર આરોગ્ય અધિક નિયામક ડો. દિનકર રાવલ ધ્વારા સમગ્ર રાજ્યમાં ડોર ટુ ડોર ફીવર સર્વેલન્સ તેમજ પોરા નાશકની ખાસ ઝુંબેશ આજે હાથ ધરવાની સૂચનાઓ આપવામાં આવી છે. જે અન્વયે ગાંધીનગર કોર્પોરેશન તંત્ર ધ્વારા સઘન સર્વેલન્સની કામગીરી શરૂ કરાઈ છે. આ ઝુંબેશમાં આરોગ્ય જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓને કામે લગાડી દેવામાં આવ્યા છે.