જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે : ભારતીય હવામાન વિભાગ
આગામી ૨ દિવસ દરમિયાન દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગે ૨૪ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ અને પહાડો પર હિમવર્ષા થવાની આગાહી કરી છે. આ સાથે પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુમાં પણ વરસાદ પડી શકે છે આઇએમડીના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ દરમિયાન પૂર્વ ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, ૨૪મીથી વરસાદ અને હિમવર્ષા વધુ તીવ્ર થવાની ધારણા છે. જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં ૨૪ અને ૨૫ અને ઉત્તરાખંડમાં ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. ૨૪ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ૨૪મીએ જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં ઘણી જગ્યાએ છૂટાછવાયા કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ૨૪ અને ૨૫ તારીખે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૨૫ તારીખે અને ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ૨૬ જાન્યુઆરી દરમિયાન કરા પડવાની આગાહી કરી છે. જ્યારે ૨૬ જાન્યુઆરી દરમિયાન ઉત્તર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે.