ઔદ્યોગિક એકમો વીજ કનેકશનના લીધે બંધ છે
રાજકોટમાં એકલા માત્ર મેટોડાની જ વાત કરીએ તો એચટી કનેક્શન માટે છેલ્લા ત્રણ મહિનામાં ૨૦ જેટલી અરજી કરવામાં આવી છે. તે તમામ અરજી રદ કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉદ્યોગકારોમાં ઊઠી છે. આ અંગે પીજીવીસીએલને પૂછવામાં આવતા તેઓએ જેટકો પર જવાબદારી ઢોળે છે. આ સમસ્યા માત્ર મેટોડા નહિ પરંતુ રાજકોટ શહેરના તમામ ઔદ્યોગિક વિસ્તારના એકમોની છે. તાજેતરમાં જ એક અરજી કરી હતી જે પૂરતો વીજલોડ નથી તેવું કહીને રદ કરવામાં આવી છે. તેમ મેટોડા જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા જણાવે છે. મેટોડાના ઉદ્યોગપતિ અરવિંદભાઈ ઝાલા જણાવે છે કે, પીજીવીસીએલ એચ.ટી. કનેક્શન આપવાની ના બોલે છે. અત્યારે દરેક વ્યાપાર ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે, પરંતુ વીજ કનેક્શનના વાંકે અટકીને પડ્યા છે.
નવા કનેક્શન આપતા નથી અને અમારી પાસે પેનલ્ટી લઇ લે છે. તાજેતરમાં જ અરજી કરી હતી તે રદ થઇ છે અને ચાલુ યુનિટમાં વધારાના લોડ મળતો નથી. મેટોડા ૬૬ કેવી ઓવરલોડ થઈ ગયું છે. વધુ કનેક્શન આપી શકાય તેટલી જગ્યા નથી. આથી, એચ.ટી.કનેક્શન આપવાનું બંધ થયું છે.
વાજડી ગામ પાસે નવી ૬૬ કેવી લાઇનનું કામ થયા બાદ પેન્ડિંગ અરજીનો નિકાલ થશે.બિઝનેસ માટે ગુજરાત ઈઝ ઓફ ડુંઈગ કહેવાય છે. તો વેપાર- ઉદ્યોગમાં મૂડીરોકાણ વધારવા અને પ્રોત્સાહન આપવા માટે વાઈબ્રન્ટ ગુજરાત થાય છે. બીજી તરફ રાજકોટમાં મેટોડા જીઆઈડીસીમાં નવા ઔદ્યોગિક એકમોનું બાંધકામ -મશીનરી વગેરે તૈયાર છે પરંતુ એચટી કનેક્શન મંજૂર નહિ થતા તેમાં કોઈ કામકાજ શરૂ કરી શકાતું નથી, તો બીજી તરફ જે ચાલુ યુનિટ છે તેમાં પણ વધારાનો એચટી કનેક્શનનો વીજલોડ માગવામાં આવે તો તેને તે મળતો નથી.