ઔદ્યોગિક અકસ્માતોઃ ઔદ્યોગિક સલામતી અને પર્યાવરણ સુરક્ષાની જવાબદારી કોની?
- રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી વણઝાર ક્યારે અટકશે…!?
- રાજ્યમાં ઔદ્યોગિક સલામતીનો છેદ ઉડી જતો જોવા મળી રહ્યો છે
- જરૂરી મેન પાવર વિના DISHની હાલત કાંડા કપાયેલા હાથ જેવી
- ઔદ્યોગિક સલામતીના નિયોમોના ચુસ્ત પાલનથી જ ઔદ્યોગિક અકસ્માતોને કરી શકાશે નિયંત્રિત
આગથી માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને થાય છે નુક્શાન
અમદાવાદના નારોલમાં આવેલી મહાલક્ષ્મી ફેબ્રિક્સ મિલ્સ લિમિટેડમાં 24 નવેમ્બરના રોજ આગની ઘટના બનવા પામી હતી. આગ એટલી પ્રસરાઈ ગઈ હતી કે તેના કાબૂ મેળવ્યા બાદ કૂલિગ કરવાની કામગીરીમાં બીજી દિવસ સુધી ચાલી હતી, જેમાં 25થી વધુ ફાયર વ્હિકલ સાથેના લાશ્કરો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. આ કંપની રહેણાંક વિસ્તારની પાસે હોવાથી આગના કારણે આસપાસમાં પ્રદૂષણ ફેલાયું હતુ, જે માનવ સ્વાસ્થ્યની સાથેસાથે પર્યાવરણ માટે પણ ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. જોકે, આ સંદર્ભે જીપીસીબી દ્વારા કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવી તાત્કાલિક અસરથી ક્લોઝર આપવામાં આવ્યું છે.
ડેટોક્ષ ઈન્ડિયામાં બનેલી ગોઝારી ઘટનાએ 4 કામદારોનો લીધો જીવ
મહાલક્ષ્મી ફેબ્રિક્સ મિલ્સમાં બનેલી આગની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ આવુ સદનસીબ 3જી ડિસેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડિટોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં કામ કરી રહેલા કામદારો પાસે ન હતુ. કંપનીમાં બનેલી ગોઝારી ઘટના 4 મજૂરો માટે જીવલેણ સાહિત થઈ. કંપનીમાં 75 કેએલની ફીડ ટેન્કમાં વેલ્ડીંગ કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એક મજદૂરનો મૃતદેહ 100 મીટર દૂર ઝાડીમાંથી મળી આવ્યો હતો. આ દુર્ઘટના બાદ કામદારોએ કંપનીનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડેટોક્ષમાં જીવલેણ ઘટના બાદ DISH દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે
ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીનું મજબૂતાઈથી પાલન જરૂરી
અહીં એ ઉલ્લેખ કરવો દુર્ભાગ્યપૂર્ણ છે કે ગુજરાતની ઔદ્યોગિક વસાહતોમાં થતા અકસ્માતોમાં કામ કરતા શ્રમિકોના મોત થવા એ સામાન્ય જણાઈ રહ્યું છે. જીવલેણ ઔદ્યોગિક અકસ્માતોમાં સૌથી સામાન્ય બાબત છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અથવા તો અયોગ્ય કે અપૂરતી તાલિમ મેળવેલા શ્રમિકોની ભરતી. આ બાબતો ઘણી સંસ્થાઓ દ્વારા જવાબદાર તંત્રનું આ બાબતે ધ્યાન દોરવામાં આવી રહ્યું હોવા છતાં પણ કોઈ નિયમોનુ મજબૂતાઈથી પાલન કરાઈ રહ્યું નથી. રાજ્યમાં ઔદ્યોગિક સલામતીનો છેદ ઉડી જતો જોવા મળી રહ્યો છે, પરિણામે એક પછી એક ઔદ્યોગિક અકસ્માતોની ઘટની ઘટતી જાય છે અને શ્રમિકોના જીવ લેવાતા જાય છે.
ખૂબ જ વિચારપૂર્વક બનાવાયા છે ઔદ્યોગિક સલામતીના નિયમો
આ સંદર્ભે પર્યાવરણ ટુડે દ્વારા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના નિયમો, ડિરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH)ના કાર્યો, MSIHC નિયમો, 1996: કેમિકલ એક્સિડેંટ્સ (ઇમરજન્સી, પ્લાનિંગ, પ્રીપેરડનેસ એન્ડ રિસ્પોન્સ) નિયમ, 1996 [CAEPPR નિયમો, 1996], રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને MoEF&CC દ્વારા સોંપાયેલી જવાબદારીઓ અને તેની નિયમનકારી સંસ્થાઓ સહિતની માહિતીનો વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં ઔદ્યોગિક સલામતીના સઘન પાલનની મહત્વતાને જણાવાઈ છે. આ નિયમો ખૂબ જ વિચારપૂર્વક બનાયેલા છે અને તેનો કડકપણે અમલ કરાવવામાં આવે તો ઔદ્યોગિક અકસ્માતોની સંખ્યા, મૃત્યુઆંક અને ઈજાઓ નોંધપાત્ર રીતે ઘટી શકે છે.
DISHને મજબૂત બને તો ઔદ્યોગિક અકસ્માતો ઘટી શકે છે
ગુજરાતમાં DISH અને PESO જેવી નિયમનકારી સંસ્થાઓને મજબૂત કરવી તે વર્તમાન સમયની માંગ છે. જોકે, જરૂરી મેન પાવર સહિતની કેટલીક મર્યાદાઓના કારણે DISH પાસેથી જે અપેક્ષા રાખવામાં આવે છે, તે પ્રમાણેનું અપેક્ષિત કાર્ય કરી શકતી નથી. પરંતુ તંત્ર દ્વારા રસ દાખવી આ બાબતે જરૂરી ક્ષમતા સાથેનું કાર્ય બળ ઉમેરવામાં આવે અને DISHને મજબૂત બનાવવામાં આવે તો આવી ઔદ્યોગિક ઘટનાઓ ઘટશે અને પરિણામો અનેક શ્રમિકોનો પરિવાર ભર્યોભાદર્યો બની રહેશે.
File Photo
વર્તમાન ઉપેક્ષિત સ્થિતિમાં DISH ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતો સંબંધિત અપેક્ષિત કાર્યો કરી શકતું નથી