હિમાચલમાં છેલ્લા ૨૩ દિવસમાં છઠ્ઠી વાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ
હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી છે. રાજ્યમાં રવિવારે મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ હતી.આ ભૂકંપ મધ્યરાત્રે ૧૨.૪૨ વાગ્યે અનુભવાયો હતો.ભૂકંપનું કેન્દ્ર મંડી જિલ્લાના સુંદરનગર નજીક બેરકોટ ગામમાં ભૂગર્ભમાં ૦.૫ કિલોમીટરની ઊંડાઈએ હતું. મંડી ઉપરાંત આસપાસના જિલ્લાઓમાં પણ ત્રણથી પાંચ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટર સુદેશ મોક્તાએ જણાવ્યું હતું કે ઓછી તીવ્રતાના કારણે ભૂકંપથી ક્યાંય નુકસાનના અહેવાલ નથી. રાજ્યમાં છેલ્લા એક મહિનાથી સતત ભૂકંપના આંચકાના કારણે લોકો ગભરાટમાં છે. છેલ્લા ૨૩ દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં છ વખત ભૂકંપના આંચકા આવ્યા છે. જો કે દર વખતે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે જાનમાલનું નુકસાન થયું નથી.
૦૬ દિવસ પહેલા એટલે કે ૩ જાન્યુઆરીએ સોલન જિલ્લામાં ૨.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા ૩૧ ડિસેમ્બરે મંડી જિલ્લામાં સમાન તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ૨૬ ડિસેમ્બરે કાંગડા, ૨૧ ડિસેમ્બરે લાહૌલ-સ્પીતિ અને ૧૬ ડિસેમ્બરે કિન્નૌર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અવારનવાર ભૂકંપના આંચકાઓને કારણે રાજ્યના રહેવાસીઓમાં ભયનો માહોલ છે. હિમાચલ પ્રદેશ ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ ઝોન ૪ અને ૫માં સામેલ છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ આ પર્વતીય રાજ્યમાં મોટા ભૂકંપની આગાહી કરી છે. વર્ષ ૧૯૦૫માં કાંગડા અને ચંબા જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપમાં ૧૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા.