સુરેન્દ્રનગરમાં પાણી માટે લોકો ટેન્કર પાસે લાઈનો લગાવતા જોવા મળ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના નાની કઠેચી ગામમાં પીવાના પાણી માટે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જ્યાં તંત્ર દ્વારા ટેન્કર ફાળવતાં પાણી ભરવા પડાપડી થતી હોવાનાં દૃશ્યો સામે આવી રહ્યાં છે. એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન ધરાવતા જિલ્લાના નાની કઠેચી ગામમાં ઉનાળામાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતાં લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે. વિઠ્ઠલગઢથી ખાસ યોજના હેઠળ નાની કઠેચી ગામે પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું, જેમાં વચ્ચે અમુક લોકો દ્વારા આ પાઇપલાઇનમાંથી પાણીની ચોરી કરતાં નાની કઠેચી ગામે પીવાનું પાણી પહોંચતું ન હોવાનો આક્ષેપ કરાયો છે. જેથી નાની કઠેચીનાં ગ્રામજનોને વેચાતું પાણી લેવું પડે છે. આ અંગે નાની કઠેચી ગ્રામજનો દ્વારા લાગતાવળગતા તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ ન આવતાં લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. પછાત ઝાલાવાડ વિસ્તારમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં મહિલાઓમાં બેડા યુદ્ધનાં દૃશ્યો સહજ જોવા મળતાં હોય છે.
આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમીમાં મહિલાઓને ભરબપોરે માથે બેડા ઊંચકી પીવાના પાણીની એક-એક બુંદ માટે વલખાં મારવાની નોબત આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના નાની કઠેચી ગામમાં ટેન્કરમાંથી પાણી ભરવા પડાપડીની સાથે પાણી માટે પાણીપતના યુદ્ધ જેવી કપરી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે તંત્ર દ્વારા ટેન્કર ફાળવતાં પાણી ભરવા માટે મહિલાઓ વચ્ચે પડાપડીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં, જેમાં લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતાં લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે. ત્યારે હાલમાં આગ ઓકતી ગરમીમાં પૂરતા પ્રમાણમાં ટેન્કર ફાળવવામાં આવે એવી વ્યાપક માગ નાની કઠેચીના ગ્રામજનોએ ઉઠાવી છે. હાલમાં નાની કઠેચી ગામમાં દરરોજનું અંદાજે ૧૫ હજારનું પાણી વેચાતું લેવામાં આવતું હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે.
થોડા દિવસો પહેલાં જ સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં પીવાના પાણી માટે બે મહિલાઓ વચ્ચેના બેડા યુદ્ધનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ચોટીલા તાલુકામાં ૪૨ ડિગ્રી તાપમાનમાં બેડાથી બે મહિલાઓ યુદ્ધે ચડેલી અને એકબીજાના માથામાં બેડાં ફટકારતી જોવા મળી હતી. જો કે પાણી માટેની આ લડાઇનો વીડિયો પંથકમાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું ઢાંકી પમ્પિંગ સ્ટેશન એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન છે, જેમાંથી કુલ પાંચ પમ્પિંગ સ્ટેશનમાં હેવી વોલ્ટેજ મોટરોથી પાણી પમ્પિંગ કરીને સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને ભાવનગર સુધી પહોંચાડવામાં આવે છે. એમાં તંત્ર નેવાના પાણી મોભે ચઢાવે એ વાત સાચી ઠરી છે.