રાજ્યના અનેક શહેરોમાં પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડયો
ગાંધીનગરઃ ગુજરાતમાં આખરે શિયાળો બેઠો છે તેવુ કહી શકાય. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો દોર આવી ગયો છે. ગુજરાતમાં અનેક શહેરનો ઠંડીનો પારો ગગડ્યો છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ૨૨ તારીખ બાદ તાપમાન ૨થી ૩ ડિગ્રી વધશે. વર્તમાનમાં વધેલી ઠંડીને લઈ કહ્યું કે, પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડયો છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી કે, ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે.
૧૧.૨ ડીગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે. તો અમદાવાદમાં ૧૫.૫ ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. તો બનાસકાંઠાના ડીસામાં ૧૩.૪ ડિગ્રી અને વડોદરામાં ૧૪ ડીગ્રી તાપમાન પહોંચ્યું છે. કેશોદમાં ૧૪.૫ અને રાજકોટમાં ૧૫ ડીગ્રી તાપમાનનો પારો બતાવ્યો છે. ભુજમાં ૧૩.૯ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. એક સપ્તાહ સુધી હજુ રાજ્યમાં ઠંડીની હવામાન વિભાગની આગાહી છે.