કચ્છમાં તમામ તાલુકામાં વહેલી સવારથી મેઘમહેર થતા સામાન્યથી ૩ ઇંચ વરસાદ
રાજ્યમાં વરસાદની ટકાવારીમાં મોખરે રહેલા છેવાડાના કચ્છમાં ભાદરવો પણ ભરપૂર પુરવાર થઈ રહ્યો છે. છેલ્લા એક સાપ્તાહથી શરૂ થયેલી મેઘમહેર અવિરત ચાલુ રહી છે. સવારથી જિલ્લાના મોટા ભાગના તાલુકામાં વરસાદ પડયો હતો, અનેક સ્થળે જોશભેર પાણી વહી નિકળતા અષાઢી માહોલ છવાયો હતો. તો મહત્વના ડેમ તળાવમાં નવા નીરની આવક થઈ છે. ભુજના હમીરસર તળાવમાં પાલર પાણીના ધોધ ઠલવાઇ રહ્યા છે. તો ભચાઉના કકરવા પાસેના ચાંગ ડેમમાં પાણીનું સ્તર ૧૭ ફૂટે પહોંચી ગયું છે.
સતત વરસાદના કારણે વિજ પુરવઠા ઉપર પણ અસર થઈ રહી છે. નખત્રાણાના તલ-લૈયારીમાં આખી રાત વીજ વિક્ષેપ સર્જાયો હતો. જિલ્લામાં પડી રહેલા વરસાદ પર નજર કરવામાં આવે તો ભુજમાં સવારના શરૂ થયેલો વરસાદ સવારના ધીમાધારે ચાલુ રહેતા માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા હતા. આસપાસના માધાપર, ભુજોડી, ડગારા સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસતા અંદાજિત બે ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. ભુજ શહેરના મોટા બંધમાં ફરી વરસાદી પાણીની આવક શરૂ થતાં શહેરીજનો જોવા ઉમટ્યા હતા. અંજાર શહેરમાં સવારે ૨૪ મિમી અને વધુ ૩૨ મિમી સાથે સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો.
તાલુકાના મથડા, રત્નાલ, સાપેડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના વાવડ સાંપડ્યા હતા.મુન્દ્રા શહેરમાં પણ વ્યાપક વરસાદ પડ્યો હતો. સવારના પડી રહેલા વરસાદથી વાતવરણમાં ઠંડક પ્રસરી જતા દૂધ, અખબાર અને જથ્થાબંધ શાકભાજી વિક્રેતાઓને કામગીરીમાં અસર પહોંચી હતી. અહીં અઢી ઇંચ જેટલો વરસાદ થયો હતો.. નખત્રાણામાં રાત્રે ઝરમર સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. જ્યારે સવારે ધુપછાવનો માહોલ યથાવત રહ્યો હતો.વરસાદ બાદ અહીંના બસ સ્ટેશન પાસેના ધોરીમાર્ગ પર મસમોટા ગાબડા પડી જતા વાહનચાલકો માટે પસાર થવામાં ભારે હાલાકી ઉભી થઇ રહી છે.
લખપતના વડા મથક દયાપરમાં પણ રાત્રીએ ઝડમર ઝાપટા પડ્યા હતા જ્યારે સવારે આકાશ કોરું રહ્યું હતું. ભચાઉમાં પણ વરસાદી ઝાપટા યથાવત રહ્યા હતા. તાલુકાના નેર કડોલમાં સવારે વરસાદ પડ્યો હતો. તાલુકાના કકરવા પાસેના ચાંગ ડેમમાં નવા નિરની આવક થતા પાણીનું સ્તર ૧૭ ફૂટે પહોંચી ગયાનું જાણવા મળ્યું હતું. અબડાસા તાલુકામાં સરેરાશ સાડા ત્રણ થી ચાર ઈંચ પાણી પડ્યું હતું. પૂર્વ કચ્છના રાપર તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો. તાલુકાના ખેંગારપર ગામે ત્રણ વાગ્યાથી શરૂ થયો હતો.