ઇસનપુરમાં સરકારી તળાવમાં દબાણો દૂર કરવાનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલા સરકારી તળાવ અને સ્મશાન ગૃહની જગ્યામાં થયેલા દબાણોને દૂર કરવા માટે આજે દક્ષિણ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. ત્યારે સ્થાનિક લોકોએ આ દબાણો દૂર કરવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને આ કામગીરી રોકવા માટે વિરોધ કર્યો હતો.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા અમને દબાણો દૂર કરવા માટેની કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા માટે પહોંચી ગયા છે. અનેક દુકાનો અને મકાનો આ કપાતમાં જાય છે, પરંતુ કોર્પોરેશન દ્વારા અમને કોઈ જાણ કરવામાં આવી નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ આજે સવારે જ્યારે ઇસનપુર સ્મશાન ગૃહ પાસે દબાણો દૂર કરવા માટે પહોંચી હતી. ત્યારે મોટી સંખ્યામાં તેના સ્થાનિક રહીશો ભેગા થઈ ગયા હતા અને દબાણો દૂર કરવાની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ મોદી સરકાર હાય હાયના નારા લગાવી અને વિરોધ કર્યો હતો. ઘટનાની જાણ થતા એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો પણ ત્યાં પહોંચ્યા હતા અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.