અંકલેશ્વરમાં પ્રદૂષણ માફિયાઓ બન્યા બેફામ, આમલાખાડી બાદ હવે વન ખાડીમાં જોવા મળ્યું ફીણ જ ફીણ
અંકલેશ્વરઃ સામાન્ય રીતે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ફાયદાકારક સાબિત થતો હોય છે, પરંતુ કેટલાંક લોકો માટે વરસાદ ‘અવસર’ બનીને આવતો હોય છે. આવા જ દ્રશ્યો અંકલેશ્વરમાં જોવા મળ્યા જ્યાં વરસાદી પાણીના નિકાલ કરતી ખાડીઓ પ્રદૂષિત પાણીના કારણે ‘ફીણની સફેદ’ ચાદર ઓઢી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આ આવા કૃત્યો પ્રદૂષણ માફિયાઓ જ કરી શકે.
વાત એમ છે કે અંકલેશ્વરની આમલાખાડીમાં બે દિવસ પહેલા પીળુ દૂષિત પાણી ભળી જતા સફેદ ફીણ જોવા મળ્યું હતુ, ત્યારે હવે આમલાખાડી બાદ આવા દ્રશ્યો પાનોલી જીઆઇડીસીની નજીક જોવા મળ્યા છે. અંકલેશ્વરની આમલાખાડી બાદ આજે પાનોલી જીઆઇડીસી નજીકના ઉમરવાડાથી પસાર થતી વન ખાડીની સપાટી પર પણ સફેદ ફીણ વાળું દૂષિત પાણી જોવા મળ્યું હતુ. આ દ્રશ્યો પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા હોય તેની ચાડી ખાય છે.
અંકલેશ્વર જીપીસીબીના પ્રાદેશિક અધિકારીએ પર્યાવરણ ટુડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અનેક જગ્યાએ દૂષિત પાણી વહી રહ્યાંની વાત ધ્યાનમાં આવતા આ અંગે તપાસ આરંભી દેવામાં આવી છે. જે કોઇ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હશે તેની સામે કાર્યવાહી થશે, જોકે આ તમામ સંપૂર્ણ તપાસને અંતે કહી શકાશે.
આ ઘટના વિશે અંકલેશ્વર જીપીસીબીના ધ્યાનમાં લવાતા જીપીસીબીએ કાર્યવાહી હાથ ધરી છે, જીપીસીબી દ્વારા તપાસ અર્થે પ્રદૂષિત પાણીના સેમ્પલ લઇ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે જોવું રહ્યું કે જળ સંસાધનોને પ્રદૂષિત કરનારા જવાબદારો ઝડપાય છે કે નહી? કે પછી આવા કૃત્યોને સુએઝ વોટરમાં ખપાવી દઇ ફીણની સાથે જ વહાવી દેવામાં આવશે.