ખેડૂતો પાણી માંગે તો સરકાર ખેડૂતો વિરુદ્ધ પાણી ચોરીનું ષડયંત્ર રચે
આકળી ગરમી અને કાળઝાળ ઉનાળામાં ખેડુતોને પાણી માટે વલખા મારવાના આવ્યા છે ત્યારે ગુજરાત સરકાર પાણીની અછતની વાર્તાઓ કરે છે ત્યારે ખરેખર વાસ્તવિક સ્થિતિ શું છે એ સરકાર કે સરદાર સરોવર નર્મદા નિગમ કેમ જાહેર નથી કરતું? પાણી પુરવઠા બોર્ડને બદલે ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની બનાવી સિંચાઇનું પાણી પીવાના નામે ઉદ્યોગોને પધરાવાય છે અને આર.ટી.આઈ.ના કાયદામાંથી છટકવા માટે ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતો વિરુદ્ધ ઘડેલું, પાણી ચોરી માટેનું ષડયંત્ર છે. જે આંકડા નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની વેબસાઈટ પર મુકાયા છે તે મુજબ નર્મદા ડેમમાં પાણીની સપાટી ૧૨૦.૬૮ મીટર છે. એવો આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારીએ કર્યો છે.
નર્મદા ડેમમાં પાણીનો જીવંત જથ્થો ૧૩૪૧ એમસીએમ છે. મિલિયન ક્યુબિક મીટરને એકર ફૂટમાં ફેરવીએ તો છોડી શકાય એવા પાણીનો જથ્થો ૧૦ લાખ, ૮૭ હજાર ૧૬૬ એકર જમીન ઉપર એક ફૂટ ભરી શકાય એટલું પાણી હાલ નર્મદા ડેમમાં છે. આખા વર્ષ માટે ગુજરાતને પીવા માટે ડેમમાંથી ૦.૮૬ મિલિયન એકર ફૂટ પાણી ફાળવાયું છે. હવે ચોમાસાને માત્ર દોઢ મહિનાની જ વાર છે. છતાં આખા વરસનું પીવાનું પાણી બાદ કરીએ તો પણ ૨ લાખ ૨૭ હજાર ૧૬૬ એકર ફૂટ પાણી ખેડૂતોને આપી શકાય તેમ છે. ૮ લાખ ૬૦ હજાર એકર ફૂટ પાણી ૧૨ મહિના માટે જોઈએ તો, દોઢ ને બદલે ૨ મહિનાનો જથ્થો અનામત રાખવો હોય તો પણ ૭૧ હજાર ૬૬૬ એકર ફૂટ પ્રમાણે ૨ મહિના માટે ગુજરાતને પીવા માટે ૧ લાખ ૪૩ હજાર ૩૩૩ એકર ફૂટ પાણી જોઈએ. હાલના ઉપલબ્ધ જથ્થા ૧૦ લાખ ૮૭ હજાર ૧૬૬ માંથી ૧ લાખ ૪૩ હજાર ૩૩૩ એકર ફૂટ પાણી અનામત રાખીએ તો પણ ૯ લાખ ૪૩ હજાર ૮૩૩ એકર ફૂટ પાણી ખેડૂતોને એમના ઉનાળુ કઠોળ, બાજરી, ઉનાળુ મગફળી અને પશુઓ માટેનો ઘાસચારો બચાવવા માટે આપી શકાય એમ છે પરંતુ ભાજપની પ્રાથમિકતા ખેડૂતોનો પાક અને પશુઓ, ખાસ તો ગાય માતા માટે ઘાસચારો બચાવવાને બદલે ગિફ્ટ સીટી અને શાંતિગ્રામના બગીચાનું ઘાસ લીલુંછમ રાખવાની છે, અમીરોના સ્વિમિંગ પુલ ભરવાની છે.
ખેડૂતો ચાહે સાણંદના હોય કે બનાસકાંઠા કે બીજા કોઈ જિલ્લાના, જો પાણી માંગે તો ભ્રષ્ટ ભાજપ સરકાર પાસે એમના માટે પોલીસના દંડા અને ગેરકાયદે અટકાયત જ છે. ગુજરાત સરકાર અને નર્મદા નિગમ સોગંદનામા ઉપર કહેશે કે એમને ગિફ્ટ સીટી અને શાંતિગ્રામ ને અપાતા પાણીમાં કેટલો કાપ મુક્યો? જો પીવાનું પાણી જ આપવું છે તો અમદાવાદના ઔડા વિસ્તારની અનેક સોસાયટીઓને કેમ ક્ષારવાળું પાણી પીવું પડે છે?