પાટણ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદઃ ઠેર-ઠેર પાણી ભરાયા

પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ રવિવારે મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે મુરઝાઈ ગયેલા પાકોમાં પ્રાણ ફૂંકાયા હતા, જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે જિલ્લામાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો પાટણમાં માત્ર એક જ કલાકમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વીજળી પડવાના કારણે શહેરની ત્રણ જેટલી સોસાયટીમાં શોર્ટ સર્કિટ થવાથી વીજ ઉપકરણો બળી ગયાની ઘટના બની છે. જ્યારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે.

પાટણમાં મોડી રાત્રે એકાએક વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળી પડવાથી વાળીનાથ ચોક વિસ્તારની ત્રણ સોસાયટીઓમાં વીજ ઉપકરણો બળી ગયા હતા. જ્યારે સુભાષ ચોક ખાતે આવેલી પંક્ચરની દુકાનનું છાપરુ તૂટી ગયું હતું. સૃષ્ટિ હોમ્સ સોસાયટીના કેટલાક ઘરોમાં પંખા, ટીવી, ફ્રીજ સહિતના વીજ ઉપકરણોને ભારે નુકસાન પહોંચ્યું છે. આસપાસની સોસાયટીઓમાં પણ નુકસાન થયું હોવાના અહેવાલ સાપડી રહ્યાં છે. સૃષ્ટિ હોમ્સ સોસાયટીના રહેવાસી ભાઈલાલ પટેલે જણાવ્યું છેકે, એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો અને થોડાવીરમાં વીજળીના એવા કડાકા થયા જે અત્યારસુધી જોયા ન હતા. મારા ઘરમાં ધાબા પર વીજળી ત્રાટકી અને ઘરમાં ઉતરી હતી. ઘરના પંખા, ફ્રીજ, ટીવી સહિત બધું જ બળી ગયું છે.

ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં પાટણ ,રાધનપુર, શંખેશ્વર, સિદ્ધપુર, સાંતલપુર, ચાણસ્મા, હારીજ, સમી, સરસ્વતી, વિસ્તારોમાં વરસાદ પડયો હતો. જેને લઇ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. અગાઉ પડેલા સારા વરસાદને લઇ મોટાભાગના ખેડૂતોએ વરસાદી ખેતી કરી હતી, પરંતુ બાદમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. દિવસભરના ભારે ઉકળાટ બાદ પાટણ પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. બીટીકપાસ ,રજકાબાજરી, મગ,અડદ, જુવાર સહિતના પાકોમાં પ્રાણ ફૂંકાયા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news