રોજગાર કચેરીઓ દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સતત વર્ષ ૨૦૦૨થી દેશમાં પ્રથમ: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત
- રોજગાર કચેરીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ૧૩.૮૬ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી અપાઈ
- ગુજરાતનો બેરોજગારી દર સમગ્ર દેશમાં સૌથી ઓછો
- ખેડામાં કાર્યરત ૧૫૦ ઉદ્યોગ એકમોએ ૯૫ ટકા રોજગારી સ્થાનિકોને પૂરી પાડી
- સાબરકાંઠામાં કાર્યરત ૬૭ ઉદ્યોગ એકમોએ ૮૯ ટકા રોજગારી સ્થાનિકોને પૂરી પાડી
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે, રોજગાર કચેરીઓના માધ્યમથી રોજગારવાંચ્છુ યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં વર્ષ ૨૦૦૨થી સતત પ્રથમ રહ્યું છે. માત્ર છેલ્લા પાંચ વર્ષમાં જ ગુજરાતની રોજગાર કચેરીઓ દ્વારા ૧૩.૮૬ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. પરિણામે ગુજરાતનો બેરોજગારી દર દેશમાં સૌથી ઓછો છે.
વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, ગુજરાતના દરેક જિલ્લામાં કાર્યરત મોટાભાગના ઉદ્યોગ એકમો દ્વારા સ્થાનિકોને રોજગારી આપવાના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ નિયમોનું ઉલ્લંઘન કરતા ઉદ્યોગો સાથે બેઠક કરીને નોટિસ આપવામાં આવે છે અને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.
સ્થાનિક રોજગારીની ટકાવારી અંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, ખેડા જિલ્લામાં કાર્યરત કુલ ૧૫૦ ઉદ્યોગ એકમો દ્વારા ૨૩,૮૯૬ પૈકી ૨૨,૬૮૦ એટલે કે ૯૫ ટકા રોજગારી સ્થાનિકોને આપવામાં આવી છે. તેવી જ રીતે, સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત ૬૭ ઉદ્યોગો દ્વારા ૧૧,૮૯૨ પૈકી ૧૦,૫૬૩ એટલે કે ૮૯ ટકા રોજગારી સ્થાનિકોને આપવામાં આવી છે.
રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ખાનગી ઉત્પાદનલક્ષી એકમોમાં મેનેજર/સુ૫રવાઈઝરી કક્ષામાં ૬૦ ટકા તેમજ કામદાર કક્ષામાં ૮૫ ટકા મળી એકંદરે ઓછામાં ઓછી ૮૫ ટકા રોજગારી સ્થાનિકોને આપવાની જોગવાઈ છે. ગુજરાતના દરેક જિલ્લામાં સ્થાનિક રોજગારીની ટકાવારી જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે, તેમ મંત્રી બલવંતસિંહ રાજપૂતે વધુમાં ઉમેર્યું હતું.