નારોલ જીઆઈડીસી ગેસ દુર્ઘટનામાં રૂલ-9ના નિયમોના ઉલ્લંઘનની તપાસમાં જીપીસીબીની નિષ્ક્રિયતા કે લાચારી?
અમદાવાદઃ નારોલ સ્થિત ટેક્સટાઇલ એકમમાં થયેલ ગેસ ગળતરના કેસમાં જીપીસીબી દ્વારા દેવી સિન્થેટિક વિરૂદ્ધ કાર્યવાહી કરી ક્લોઝર આપવામાં આવ્યું હોવાનું તેમજ રૂપિયા 25 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જાણવામા આવેલ છે. પરંતુ જીપીસીબી દ્વારા હજુ સુધી રૂલ-9ની મંજૂરી ના હોવા છતાં પણ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ સંસ્થા દ્વારા કયા કારણોસર સ્પેન્ટ એસિડનું ટેન્કર દેવી સિન્થેટિકમાં મોકલવામાં આવેલ છે તે જાણવા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે કેમ તે માહિતી પણ પ્રાપ્ત થઈ રહી નથી.
આ સ્પેન્ટ એસિડનું ટેન્કર સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ સંસ્થા દ્વારા સ્પેન્ટ એસિડની ગુણવત્તા અને સાંદ્રતાની ચકાસણી કરવામાં આવેલ હતી કે નહીં તેની પણ કોઈ તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ નથી. આ બધી બાબતો જીપીસીબીની સ્થાનિક પ્રાદેશિક કચેરીના અધિકારીઓ વિરૂદ્ધ શંકા ઉપજાવી રહી છે. સ્પેન્ટ એસિડ મોકલનાર દ્વારા જો રૂલ-9ના નિયમોનો ઉલ્લંઘન કરવામાં આવેલ હોય તો તેની સામે પણ જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી કયા કારણોથી હાથ ધરવામાં નથી આવી તે લોકોમાં ચર્ચાનો વિષય બનેલ છે.
ઉલ્લેખનીય છે કે આમદાવાદમાં નારોલ જીઆઈડીસી સ્થિત દેવી સિન્થેટિક નામની કંપનીમાં સલફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતુ હતુ ત્યારે બ્લિચીંગ ડિપાર્ટમેન્ટમાં કોસ્ટિક સોડા સાથે રિએક્શન થતાં ફ્યુમના કારણે ફેક્ટરીમાં જે કર્મચારીઓ કામ કરતા હતા તેઓને ગેસની અસર થવા પામી હતી. આ ગોઝારી ઘટનામાં કંપનીમાં કામ કરી રહેલા ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ પ્રકારની ગેસ ગળતરની ઘટનાઓ ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં ઘટવી એ કોઈ નવી વાત નથી, પરંતુ આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તેથી ઘટનાના મૂળ સુધી એટલે ઘટના કેવી રીતે બની, કોઈ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે કે કેમ?, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીનો અભાવ, સ્પેન્ટ એસિડની સાંદ્રતાનો ચોકસાઈ, સપેન્ટ એસિડનો કયા કામ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો સહિત અનેક પાસાઓની જવાબદાર સંસ્થાઓ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે. તપાસ બાદ જો કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન જોવા મળે તો જે તે જવાબદાર એકમ કે તંત્રના અધિકારીઓ વિરૂદ્ધ કાયદાકીય રીતે ફરિયાદ નોંધાવી દાખલો બેસાડી શકાય છે અને તો જ આ રીતે થતાં ઔદ્યોગિક અકસ્માતો ઘટાડી શકાશે.