સુરતમાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકો દ્વારા ઝોનની ઓફિસ ખાતે કચરો ઠાલવીને વિરોધ
સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી અગ્રીમ હોવાની વાત કરવામાં આવે છે પરંતુ હજી પણ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં નિયમિત રીતે સાફ-સફાઈ થતી નથી. ઉધના વિસ્તારની અંદર આવેલા કાશીનગરમાં કચરો ન લઈ જવાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. ગંદકીથી ત્રસ્ત થયેલા લોકો પોતાના વિસ્તારનો કચરો પોતે જ લઈ જઈને ઉધના ઝોન ઓફિસમાં ઠાલવી દેતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ઉધના વિસ્તારમાં આવેલા કાશીનગરમાં છેલ્લા બે મહિનાથી અનિયમિત રીતે ગાર્બેજ કલેક્શનની ગાડીઓ સોસાયટીમાં આવે છે.
સપ્તાહમાં માત્ર એક કે બે દિવસ જ ગાર્બેજ કલેક્શન માટેની ગાડી આવતી હોય છે. જેને કારણે સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. ઉધના વિસ્તારની કાશીનગર સહિતની અન્ય સોસાયટીઓમાં પણ આ પ્રશ્નો ખૂબ જ લાંબા સમયથી છે. સ્થાનિકો દ્વારા વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ સમયસર અને નિયમિત રીતે ગાર્બેજ કલેક્શન થતું નથી. કાશીનગર સોસાયટીના રહીશો દ્વારા આજે પોતાના વિસ્તારનો કચરા ભરીને સીધા સાઉથ ઝોનની ઓફિસે પહોંચી ગયા હતા. બધો કચરો સાઉથ ઝોનની ઓફિસના ગેટ ઉપર જ ઠાલવી દેવામાં આવ્યો હતો. જેને જોઈને અધિકારીઓ ચોંકી ગયા હતા. લોકોએ પોતાનો રોષ ખૂબ જ ઉગ્રતાથી ઠાલવ્યો હતો અને તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની પણ માંગ કરી હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે અમારી સોસાયટીમાં ગાર્બેજ કલેક્શન તો નથી જ થતું પરંતુ રસ્તાના રીકાર્પેટિંગ પણ ૧૨ વર્ષથી થયું નથી. મૌખિક અને લેખિતમાં આ બાબતે રજૂઆત કરતા રહ્યા છે પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.
સુરત મહાનગરપાલિકા દ્વારા હજારો કરોડનો કોન્ટ્રાક્ટ સફાઈ માટે આપવામાં આવતો હોય છે. ખાસ કરીને ગાર્બેજ કલેક્શન માટે ખૂબ પૈસા વહેવડાવામાં આવે છે. પરંતુ ગાર્બેજ કલેક્શનની ગાડીઓ નિયમિત રીતે ઘણા વિસ્તારોમાં પહોંચી રહી નથી. કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક અધિકારીઓ સાથેની સાથગાંઠ હોવાને કારણે તેમની સામે કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી. ચોમાસાની ઋતુમાં કચરો વધુ પ્રમાણમાં સોસાયટીમાં અને તેની આસપાસ એકત્રિત થવાને કારણે રોગચાળો થવાની પણ દહેશત રહેલી છે.