આજથી “વન સેતુ ચેતના યાત્રા”નો નવસારીના ‘જાનકી વન’થી થશે પ્રારંભ
આ યાત્રા 14 જિલ્લામાં અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી તા.22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે
યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવાશે
આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રા”નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નવસારીના સાસંદ સી.આર. પાટીલના હસ્તે આજથી રોજ નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા ‘જાનકી વન’ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે.
આ યાત્રા વલસાડ,નવસારી,ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ કુલ 14 જિલ્લામાંથી પસાર થઈ અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી 22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે.
આ યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવામાં આવશે. આ યાત્રાના માર્ગમાં આવતા દરેક જિલ્લામાં 1 સ્ટેજ પ્રોગ્રામ અને 3 સ્થળોએ સ્વાગત કાર્યક્રમ, રાત્રીના સમયે ભજન સંધ્યા કાર્યક્રમ તેમજ યાત્રાના માર્ગમાં આવતા પ્રસિધ્ધ મંદીરોએ દર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રા દરમ્યાન વનસહભાગી મંડળીઓ જોડે મુલાકાત અને સંવાદ, મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિધ્ધી પ્રાપ્ત કરનાર આદીવાસીઓનું સન્માન, સરકારના 20 વર્ષની સિધ્ધીઓનો અહેવાલ, રામમંદીર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી, સરકારી યોજનાઓની સમીક્ષા, એફ.આર.એ.ના લાભો, યાત્રી સભા, જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી, રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.