ભરૂચ જિલ્લાની કેમિકલ કંપનીઓમાં અવારનવાર બનતી જીવલેણ દુર્ઘટનાઓમાં ભૂંજાઈ જાય છે અનેક જિંદગીઓ…
જીપીસીબી સહિતના જવાબદાર તંત્ર દ્વારા ક્યારે અપનાવાશે નક્કર વલણ?
ઔદ્યોગિક વસાહતોમાં કેમિકલ કંપનીઓમાં અવારનવાર ઘટતી જીવલેણ દુર્ઘટનાઓમાં માનવ જિંદગીઓનું મૂલ્યાંકન અમૂક લાખોમાં આંકવામાં આવે છે. જેની સામે જે તે દુર્ઘટના કેવી રીતે ઘટી અને તેના મૂળ શોધવા સુધીની તપાસ કરવામાં જવાબદાર તંત્ર ઉદાસીનતા દાખવતું હોવાથી કંપની સંચાલકોને છટકબારી મળી જતી હોય છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાનિક કચેરીના પ્રાદેશિક અધિકારી શું આવી દુર્ઘટનાઓમાં મૂળિયા સુધીની તપાસને લઇને કરી રહ્યાં છે આંખ આડા કાન?
વિશેષ રીતે આપણે વાત કરીએ તો ઇન્ટરમીડિયેટ અને કેમિકલ કંપનીઓની સૌથી વધુ ઉપસ્થિતિ હોય તેવા ભરૂચ જિલ્લામાં આવી જીવલેણ દુર્ઘટનાઓમાં સર્વસામાન્ય કારણ આગળ ધરી દેવામાં આવે છે. કોઇ કંપની કે એકમમાં આગ લાગે ત્યારે પ્રોસેસ દરમિયાન વાલ્વ લિકેજ થવો કે રિએક્ટર બ્લાસ્ટ થતા દુર્ઘટના ઘટી હોવાનું સર્વસામાન્ય કારણ જોવા મળે છે. તો બીજી તરફ આવી દુર્ઘટનાઓ થવા પાછળ સુરક્ષાનો અભાવ કે અન્ય કોઇ કારણો અથવા તો ઘટનાના મૂળ સુધી તપાસ થઇ હોઇ તેવો એકપણ કિસ્સો પ્રકાશમાં આવ્યો નથી.
પાંચ મોટી ઔદ્યોગિક વસાહતો ઘરાવતા ભરૂચ જિલ્લામાં બ્લાસ્ટ થવાની કે આગ લાગવા જેવી દુર્ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. આવી ઘટનાઓમાં અનેક કામદારો પોતાની જિંદગી હારી જતા હોય છે, પરંતુ આવી ઘટનાઓના મૂળ સુધીની તપાસ સંબંધિત અને જવાબદાર તંત્ર કે જીપીસીબી દ્વારા ન કરાતા કે કોઇ નક્કર પગલા ન લેવાતા આવા કામદારોની જિંદગીની કિંમત માત્ર 20થી 25 લાખ રૂપિયામાં આંકવામાં આવતી હોય છે. ઘટનાના મૂળ સુધી તપાસ ન થતી હોવાથી કંપની સંચાલકો છટકી જતા હોય છે અને આવા કિસ્સાઓમાં કોઇને સજા થઇ હોઇ તેવો એકપણ દાખલો જિલ્લામાં જોવા મળ્યો નથી.
આવી જીવલેણ દુર્ઘટનાઓ ન બને તે માટે તે માટે કેમિકલ કંપનીઓમાં ફાયર સેફ્ટીને લઇને કડક કાયદા બનાવવા જોઇએ. અનેક એવી કેમિકલ કંપનીઓ હોય છે, જ્યાં ફાયર સેફ્ટી અને સાધનોનો સદંતર અભાવ જોવા મળતો હોય છે. કેમિકલ કંપનીમાં તેનું પોતાનું ફાયર સ્ટેશન હોવું જોઇએ, કામદારો માટે સુરક્ષાના સાધનો ગાઇડલાઇન પ્રમાણે હોવા જોઇએ, પરંતુ દુર્ભાગ્યપણે આવી આવશ્યક બાબતોને કેમિકલ કંપનીઓ દ્વારા ગણગારવામાં આવતી નથી.
ઔદ્યોગિક એકમોમાં કામ કરતા અનેક કામદારોની જિંદગી આગ લાગવી કે બ્લાસ્ટ થવા જેવી દુર્ઘટનાઓમાં ભૂંજાઇ જતી હોય છે, ત્યારે જવાબદાર કંપનીઓ સામે જીપીસીબી કે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ઘટનાના મૂળ સુધી પહોંચી નક્કર પગલા ભરવામાં આવે તો આવી જીવલેણ દુર્ઘટનાઓને રોકી ભૂંજાઈ જતી જિંદગીઓને બચાવી શકાય છે. પરંતુ તે માટે જીપીસીબી સહિતના જવાબદાર તંત્ર દ્વારા કડક વલણ ક્યારે અપનાવવા આવશે?