બેંગ્લુરુમાં પૂર-વરસાદથી હાહાકાર મચ્યો
ભારતના સિલિકોન વેલી નામથી જાણીતું કર્ણાટકનું પાટનગર બેંગ્લુરુ ભારે વરસાદ અને પૂરના કારણે બેહાલ છે. આ હાઈટેક સિટી પર આકાશમાંથી એવી તે આફત તૂટી કે જીવન વેરણછેરણ બન્યું છે. વરસાદ હવે જીવલેણ થઈ રહ્યો છે. બેંગ્લુરુના વાઈટ ફિલ્ડ વિસ્તારમાં ૨૩ વર્ષની અકીલાનું વીજળીના કરંટથી મોત થયું છે. તે સોમવારે સ્કૂટરથી ઘરે જઈ રહી હતી. રોડ પર ભેગા થયેલા પાણી વચ્ચે તેનું સ્કૂટર બંધ થઈ ગયું. તે સ્કૂટરને ધકેલતી આગળ વધી અને થોડીવાર બાદ તેણે સંતુલન ગુમાવ્યું અને તેણે પાસેના વીજળી પોલનો સહારો લીધો. અચાનક ત્યારે જ તેને વીજળીનો જોરદાર કરન્ટ લાગ્યો. લોકોએ તેને હોસ્પિટલ ખસેડી પરંતુ ત્યાં તે મૃત જાહેર કરાઈ. પરિવારનું કહેવું છે કે BESCOM અને ખરાબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અકીલના મોત માટે જવાબદાર છે. રસ્તાઓ પાણીથી જળબંબાકાર થઈ ગયા છે. જેના કારણે લોકોને ઓફિસ જવામાં મુશ્કેલી પડી રહી છે. વરસાદ અને પૂરના કરાણે અનેક આઈટી કંપનીઓના કામકાજ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. અનેક જગ્યાઓની હાલત તો એવી થઈ ગઈ છે કે લોકોએ ઓફિસ જવા માટે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવી પડી. લોકોને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડવા માટે રસ્તાઓ પર નાવડી ઉતારવી પડી. બેંગ્લુરુમાં વરસાદના પાણીના કારણે શહેરના રસ્તાઓ જળબંબાકાર બની ગયા છે.
ગાડીઓ રસ્તામાં ફસાઈ ગયેલી જોવા મળી રહી છે. જેને કારણે રસ્તાઓ પર વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. યેમાલુર વિસ્તારમાં લોકોને ઓફિસ જવા માટે બીજો કોઈ રસ્તો ન મળ્યો તો ટ્રેક્ટર જ એન્જિનિયર્સનો સહારો બની ગયા. ટ્રેક્ટરથી અનેક લોકો પોતાની ઓફિસ પહોંચી ગયા પરંતુ કેટલાક લોકોને તો પોતાના ઘરે જવા માટે કોઈ રસ્તો જ મળતો નથી. મૂશળધાર વરસાદથી સિલિકોન સિટીના હાલ બેહાલ છે. ગત રાતથી વરસી રહેલા વરસાદે શહેરની વ્યવસ્થાની પોલ ખોલી નાખી. ગણતરીના કલાકોના વરસાદમાં જ પ્રશાસન નિષ્ફળ સાબિત થયું અને સામાન્ય લોકોએ પરેશાની ઉઠાવવી પડી રહી છે. કર્ણાટકના હુબલીમાં ગત સાંજે લગભગ ૭ વાગે વરસાદ પડ્યો અને થોડીવારમાં જ નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા. લોકો પાણી કાઢવા માટે બાલ્ટીનો ઉપયોગ કરતા જોવા મળ્યા. ઘરની અંદર રાખેલું ફર્નીચર સુદ્ધા પાણીમાં ડૂબી ગયું. પાણીને કાઢવા માટે મશીનની મદદ લેવી પડી.
હવે અહીંના લોકો માટે ચિંતાની વાત એ છે કે હુબલીમાં આજે દિવસ ભર વરસાદની શક્યતા છે. વરસાદના કહેરનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે વિપ્રો સહિત અનેક મોટી કંપનીઓની ઓફિસ સુધી પાણી પહોંચી ગયું. અહીં એક વ્યક્તિ પાણીમાં ડૂબવા માંડ્યો તો ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ્સે તેનો જીવ બચાવ્યો.
બેંગ્લુરુમાં વરસાદથી જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હાલાત એટલા ખરાબ છે કે જેસીબીથી લોકોનું રેસ્ક્યૂ કરવું પડ્યું. જેસીબીમાં બેસાડીને લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા. હવામાન વિભાગે વરસાદ અંગે અલર્ટ પણ જાહેર કર્યું છે. ૯ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આશંકા છે. કર્ણાટકના અનેક જિલ્લાઓ જેમ કે કોડાગુ, શિવમોગા, ઉત્તર કન્નડ, દક્ષિણ કન્નડ, ઉડુપી, અને ચિકમંગલૂર જિલ્લામાં યલ્લો અલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી અપાઈ છે. એટલે કે આવનારા દિવસોમાં એકવાર ફરીથી બેંગ્લુરુમાં આકાશમાંથી આફત વરસી શકે છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્બઈએ બેંગ્લુરુમાં આવેલા પૂરને પહોંચી વળવા માટે ૩૦૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. બોમ્બઈએ એક નિવેદનમાં કહ્યું છે કે ફંડનો ઉપયોગ રસ્તાઓ, ટ્રાન્સફોર્મર, વીજળીના થાંભલા અને શાળાઓ જેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મેન્ટેનન્સ માટે કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાં મુજબ સોમવારે મુખ્યમંત્રી બોમ્બઈએ શહેરમાં પૂરની સ્થિતિ અને તેના કારણે થયેલા નુકસાન પર વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓની સાથે એક બેઠક કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે બેંગ્લુરુમાં પૂરના પાણીના નિકાલ માટે પણ પૂરતી વ્યવસ્થા કરાઈ છે.
વોટર ડ્રેઈનના નિર્માણ માટે કુલ ૧૫૦૦ કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે. જેવું પૂરનું અટકેલું પાણી ઓછું થશે, વોટર ડ્રઈનના નિર્માણનું કામ શરૂ થઈ જશે.