પાકિસ્તાનમાં પુરથી ૬.૮ લાખ ઘરનો વિનાશ : ૧હજાર લોકોના મોત
પાકિસ્તાન દેશના હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હાલ અડધાથી વધારે દેશ પાણીમાં ડૂબેલો છે. ચોમાસાના ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું અને લાખો લોકો બેઘર થઈ ગયા. આ જોરદાર વરસાદે ૫૭ લાખથી વધુ લોકોને ખાધા-પીધા વગરના બેઘર બનાવી દીધા છે. પૂરની સૌથી વધુ અસર ખૈબર પખ્તૂનવા, બલોચિસ્તાન અને સિંધ પ્રાંતમાં થઈ છે. અહીં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસ્યો હતો. તૂટેલાં રસ્તા અને પુલને કારણ કેટલાક વિસ્તારો સાથે સંપર્ક પણ તૂટી ગયો છે. તેટલું જ નહીં, ભારે વરસાદને કારણે ખેતીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઊભેલા પાક ધોવાઈ ગયા છે અને પશુઓના મોત નીપજ્યા છે.
સિંધ અને બલોચિસ્તાનમાં પાકિસ્તાન રેલવેએ કેટલીક જગ્યાએ રેલવે સેવા રોકી દીધી છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે સોથી ખરાબ વાતાવારણને કારણે શુક્રવારે બલોચિસ્તાનની રાજધાની ક્વેટા માટેની તમામ ફ્લાઇટ રદ્દ કરી છે.
પાકિસ્તાનની સરકારે સંયુક્ત રાષ્ટ્ર માટે એક ફ્લેશ અપીલ જાહેર કરી છે. આ પહેલાં પાકિસ્તાન સરકારે પૂરને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી છે. યૂએન સેન્ટ્રલ ઇમરજન્સી રિસ્પોન્સ ફંડ પહેલેથી જ ૩૦ લાખ ડોલર આપી ચૂક્યું છે. આખા પાકિસ્તાનમાં પૂરની પરિસ્થિતિના વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યા છે. તેને જોઈને કહી શકાય કે ત્યાં પૂરને કારણે ગંભીર પરિસ્થિતિ છે.પાકિસ્તાનના કેટલાક વિસ્તારમાં ભારે પૂરને કારણે ૩.૩ કરોડ લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. પૂરને કારણે ૧૪૫૬ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને ૯૮૨ લોકોના મોત થયા છે. પરિસ્થિતિને ધ્યાને રાખતા શાહબાઝ શરીફની સરકારને બચાવવા અને રાહત કાર્યમાં મદદ કરવા માટે પાકિસ્તાનની સેનાને મેદાનમાં ઉતારવી પડી છે. પૂરને કારણે મોટા પ્રમાણમાં મકાનોને નુકસાન થયું છે. પાકિસ્તાનની આપાતકાલિન એજન્સીએ કહ્યુ છે કે, ૩ હજાર કિલોમીટર સુધી રસ્તા અને અંદાજે ૧૫૦ જેટલા પુલ સહિત સાત લાખ ઘર પર પાણી ફરી વળ્યાં છે.