બેંગલોરમાં ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ
બેંગલુરુમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડું જોવા મળ્યું હતું. શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બહાર આવી રહેલી તસ્વીરોમાં શહેરના માર્ગો પર ઠેર-ઠેર પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયો છે. શહેરમાં હજુ પણ વરસાદ ચાલુ છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોરદાર વાવાઝોડાને કારણે ગ્રીન લાઇન મેટ્રોનો પાવર જતો રહ્યો હતો. જેના કારણે મંત્રી મોલ સ્ટેશન પર મેટ્રો સેવા બંધ કરવી પડી હતી. જો કે, મેટ્રો પાવર પરત આવ્યા બાદ, સેવાઓ સામાન્ય થઈ ગઈ હતી.
BMRCLના મેનેજિંગ ડિરેક્ટર અંજુમ પરવેઝે જણાવ્યું હતું કે, “ગ્રીન અને મેજેન્ટા લાઇન્સ હવે કાર્યરત છે. ભારે વરસાદને કારણે, પીન્યા અને પુત્ર હલ્લી ખાતે કેપીટીસીએલના ટ્રાન્સફોર્મર્સને નુકસાન થયું છે. અમે તેમને હવે પુનઃસ્થાપિત કર્યા છે. શહેરમાં આજે ભારે વરસાદને કારણે જેપી નગર, જયનગર, લાલબાગ, ચિકપેટ, મેજેસ્ટીક, મલ્લેશ્વરમ, રાજાજીનગર, યશવંતપુર, એમજી રોડ, કબ્બન પાર્ક, વિજયનગર, રાજરાજેશ્વરી નગર, કેંગેરી, મગડી રોડ અને મૈસુર રોડ સૌથી વધુ પ્રભાવિત થયા હતા. આ વિસ્તારો પાણીથી ભરેલા છે.
વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જામની સ્થિતિ સર્જાઈ છે. આ પહેલા આજે હવામાન વિભાગે દક્ષિણ ભારતના કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી હતી. ભારતીય હવામાન વિભાગએ ગઈ કાલે ગ્રામીણ અને શહેરી બેંગલુરુના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું. ભારતીય હવામાન ખાતા અનુસાર, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર દક્ષિણપશ્ચિમ ચોમાસાના આગમનને કારણે, દરિયાકાંઠા અને દક્ષિણ કર્ણાટકમાં ગાજવીજ અને વીજળી સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.