ગાંધીનગરમાં સૌપ્રથમવાર ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મુકાયું, આ રીતે મેળવી શકાશે કપડાની બેગ

ગાંધીનગરઃ નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીના સ્થાને કપડાની બેગ વાપરવા પ્રોત્સાહિત કરી નાગરિકોની સ્વચ્છતાલક્ષી આદતોમાં સુધાર લાવવાના હેતુસર સેક્ટર-૨૧ શાકમાર્કેટ ખાતે એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્રારા સૌપ્રથમવાર ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મુકી કોલ બેગ વેન્ડિંગ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે તેમ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે મળીને સૌપ્રથમ વાર કાપડની થેલી મેળવવાનું મશીન સેકટર-૨૧ શાક માર્કેટ ખાતે આ મશીનમાંથી ૫ રૂપિયાનો સિકકો કે ૨, ૨ અને ૧ રૂપિયાના સિક્કા નાંખવાથી કપડાની એક થેલી મેળવી શકાશે. ૧૦ રૂપિયાની નોટ નાંખવાથી ૨ થેલી નિકળશે અને  ડિજિટલ પેમેન્ટ માટે બારકોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકાશે.

આ કલોથ બેગ વેડિંગ મશીનની કેપીસીટી ૫૦૦ બેગની છે અને તેનો તમામ ખર્ચ એસ્ટ્રલ ફાઉન્ડેશન દ્રારા કરવામાં આવેલ છે. કાપડની એક થેલીની કિંમત ૧૦/- રૂપિયા છે, જે જાહેર જનતા માટે ૫/- રૂપિયામાં ઉપલબ્ધ થશે અને થેલી બનાવવાનો વધારાનો ખર્ચ તેમજ તેને ચલાવવાનો અન્ય ખર્ચ એસ્ટ્રલ ફાઉન્ડેશન દ્રારા કરવામાં આવશે અને સખી મંડળની બહેનો દ્રારા આ મશીન ચલાવવામાં આવશે. આ મશીન મૂકવા માટે સેકટર-૨૧ શાક માર્કેટમાં જગ્યા આપવામાં આવી છે

આ મશીનમાં વડાપ્રધાનના ડિજિટલ પેમેન્ટ ટ્રાન્સફરનો વધુમાં વધુ ઉપયોગ કરવાના સૂચનને ધ્યાને લઇને ડિજિટલ પેમેન્ટ થકી ક્યુઆર કોડ સ્કેન કરીને બેગ મેળવવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. વધુમાં આ મશીન સિક્કાની અગવડ હોય ત્યારે રૂ. ૧૦ની નોટ થકી ૨ થેલી નિકાલની પણ વ્યવસ્થા કરાઇ છે.

આવા કુલ ૨ ક્લોથ બેગ વેડિંગ મશીન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને એસ્ટ્રલ ફાઉન્ડેશન સાથે મળીને આ પ્રોજેકટ માટે બહોળો પ્રચાર પ્રસાર કરીને લોકોમાં પ્લાસ્ટિક રિસાયકલ અને કપડાની થેલી વાપરવા માટે અનુરોધ કરવામાં આવશે. જેનાથી પ્લાસ્ટિકની થેલીનો વપરાશ ઘટશે અને તેનાથી સ્વચ્છતા જળવાશે તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતું નુકશાન અટકશે. આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિહ ગોલ,સહિત મહાનુભાવો, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news