આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં ફાર્મા કંપનીની લેબમાં આગ, ૪ કામદારોના થયા મોત, CM એ વળતરની કરી જાહેરાત
સોમવારે મોડી સાંજે આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં પરવાડા લૌરસ ફાર્મા લેબ્સ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં ચાર કામદારોના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ ઈન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત જાળવણીના કામ દરમિયાન થયો હતો. બીજી તરફ રાજ્યના ઉદ્યોગ મંત્રી અમરનાથે કહ્યું કે ઘાયલ મજૂરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ પછી મુખ્યમંત્રીએ મૃતક કામદારોના પરિવારજનોને ૨૫ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ સાથે મંત્રી અમરનાથે આરોગ્ય વિભાગના અધિકારીઓને અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય મજૂરને તબીબી સહાય આપવાનો નિર્દેશ આપ્યો હતો. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પીડિતોમાં કંપનીના ત્રણ કર્મચારીઓ અને બે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
દરમિયાન, મીડિયા અહેવાલો અનુસાર, ફાર્મસી કાર્યકરો અને સીટૂ નેતા સત્યનારાયણે પુષ્ટિ કરી હતી કે સોમવારે સાંજે ફાટી નીકળેલી ભયાનક આગમાં ચાર લોકો દાઝી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે યુનિટમાં સુરક્ષા પગલાંનો અભાવ હતો, જે મૃત્યુ માટે જવાબદાર બન્યો હતો. યુનિયનના પ્રતિનિધિઓએ કંપનીના મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, મૃતદેહોને કિંગ જ્યોર્જ હોસ્પિટલના શબઘરમાં લઈ જવામાં આવ્યા હતા અને એક ઘાયલ વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર માટે શીલા નગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની અહીં સારવાર ચાલી રહી છે. હાલ આગના કારણની પણ તપાસ કરવામાં આવી રહી છે.