રાજકોટમાં TVSના શોર્ટ સર્કિટના કારણે શો-રૂમમાં ભીષણ આગ, ૨૫ વાહનો ખાખ
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા ટીવીએસના શો-રૂમમાં સવારે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે શો-રૂમમાં કાર અને બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આગ વધુ પ્રસરે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડની બે ટીમ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રથમ શોર્ટ સર્કિટથી શો રૂમના એક જ ભાગમાં આગ લાગેલી. જોકે એકરેલીક ફર્નિચરના કારણે માત્ર ૧૦ મિનિટમાં જ આગ સમગ્ર શો રૂમમાં પ્રસરી ગઈ હતી. અને ૨૫થી વધુ બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગી ત્યારે ૭ લોકોનો સ્ટાફ શો રૂમમાં હાજર હતો. હાલ દરેકને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. શહેરના ગોંડલ રોડ પર આવેલા પર ટીવીએસનો શો-રૂમ આવેલો છે.
આ શો-રૂમમાં સવારે અચાનક આગે દેખા દીધી હતી. અને શો-રૂમ માંથી આગના ધૂમાડા નીકળવાનું શરૂ થતાં આજુ-બાજુમાંથી લોકો એકઠા થયા હતા. જોત જોતામાં શો-રૂમ ભડકે બળ્યો હતો અને અંદર કાર તથા બાઈક સહિતનો મુદામાલ સળગી રહ્યો હતો. જેને પગલે સ્થાનિકોમાં ભાગદોડ મચી ગઇ હતી. આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેથી દૂર-દૂર સુધી આગના લબકારા દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.આજુ બાજુમાં આવેલી બીજી દુકાનો પણ આગની લપેટમાં આવે તેવી સ્થિતિ સર્જાઇ હતી. આજથી ૪ મહિના પહેલા ગોંડલમાં બાઈકના શો-રૂમમાં રાત્રિના અચાનક આગ ભભૂકી ઊઠી હતી. રાત્રીના દુકાનમાંથી ધુમાડા નિકળતા હતા. જેને પગલે ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આ ભીષણ આગમાં ૭ બાઈક બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થયું હતું.
રાજકોટમાં ૨ મહિના પૂર્વે પણ રાજકોટની સોની બજારમાં ભીષણ આગ લાગ્યાના દૃશ્યો સર્જાયા હતા. જ્યાં પરમેશ્વરી હબ નામના બિલ્ડીંગમાં વિકરાળ આગ લાગી હતી. જેને પગલે સ્થાનિકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગજનીનો બનાવ સામે આવતાની સાથે જ તાત્કાલિક અસરથી રાજકોટ મનપાનો ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો. તો સાથો સાથ તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગને કાબૂમાં લેવામાં આવી હતી