આસામના જોરહાટ જિલ્લામાં ચોક બજારમાં ભીષણ આગ, ૧૫૦ દુકાનો થઈ ગઈ બળીને ખાક
આસામમાં જોરહાટ જિલ્લામાં એક બજારમાં ગુરુવારે મોડી રાતે ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં લગભગ ૧૫૦ જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. પોલીસે આ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું કે, જોરહાટ શહેરમાં આવેલ ચોક બજારમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ૧૫ ગાડીઓ લગાવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.
પોલીસે જણાવ્યું કે, દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. કેમ કે દુકાનો બંધ હતી અને માલિક અને કર્મચારી પોતાના ઘરે નીકળા ગયા હતા. તેમણે કહ્યું કે, આગમાં ખતમ થયેલી દુકાનોમાં મોટા ભાગે કાપડ અને કરિયાણાની દુકાનો હતી. જોરહાટ જિલ્લાના પોલીસ અધિક્ષક મોહન લાલ મીણાએ એએનઆઈને ફોન પર જણાવ્યું છે કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તેમણે કહ્યું કે, હાલમાં નુકસાનના આંકડા વિશે યોગ્ય અનુમાન લગાવી શકતા નથી. પણ ૧૦૦થી વધારે દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, આગ લાગી તે વિસ્તાર કમર્શિયલ એરિયા છે. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્થિતી કંટ્રોલમાં છે.