કચ્છના સામખીયાળી ખાતે રોગચાળો ફેલાવવાના ડરે સ્થાનિકોમાં ભય
સામખીયાળી ગામની આસપાસ રાષ્ટ્તી કક્ષાના અનેક મોટા એકમો કાર્યરત છે. તેમ છતાં ગામના વર્ષો જૂના ગંદકી અને દબાણ સહિતના પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છે. આ વિશે ખેડૂત અગ્રણી મુરજી બાળાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત નજીક તૂટેલી પાણીની લાઈનના કારણે રસ્તા પર પાણી ભરાયેલા રહે છે. અહીંથી પસાર થવામાં ભારે હાલાકી પડે છે.
ખાસ કરીને રાહદારીઓને પગના કપડાં ઉપર ખેંચી રાખીને માર્ગ પસાર કરવો પડે છે. છેલ્લા પાંચ છ દિવસથી સતત પાણી વહી રહ્યા છે તેમ છતાં સ્થાનિક પંચાયત કોઈ કામગીરી કરી રહ્યું નથી. ગામમાં અનેક સ્થળે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. તે પણ દૂર કરવામાં આવતા નથી. લોકો આ પ્રશ્નોનો ઉકેલ ઈચ્છે છે.
તંત્ર દ્વારા યોગ્ય નિવારણ લાવવામાં આવે તે જરૂરી છે.કચ્છના પ્રવેશ દ્વાર સમાં સમૃદ્ધ ગામ સામખીયાળીમાં ગંદકીને લઈ ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે. અહીંની ગ્રામ પંચાયત કચેરી નજીક પાણીની લાઈનમાં છેલ્લા ૫ દિવસથી ભંગાણ સર્જાતા ઉનાળાના દિવસોમાં મહામુલું પાણી જાહેર માર્ગો પર રેલાઈ રહ્યું છે. જેના કારણે પડતર પાણીમાં માખ-મચ્છરનો ઉપદ્રવ વધવાની સંભાવના રહેલી છે. તો બીમારીનું જોખમ પણ વધી જવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. ગામની પી.બી.છાડવા હાઈસ્કૂલ નજીક કાયમી કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. શાળામાં જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મુશ્કેલી પડી રહી છે.